Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ફાયર સેફટીમાં ક્ષતિઓ અંગે ૧૧ કોવિડ હોસ્પીટલોને નોટીસ

સરકારી અને ખાનગી કોવિડ હોસ્પીટલો ઉપરાંત અન્ય ર૦૦ હોસ્પીટલોમાં ફાયર સેફટીનું ચેકીંગઃનિલકંઠ, આયુષ, દેવ, હોપ, ક્રિષ્ના જેનેશીસ, સેલસ, રંગાણી, પરમ સહિતની હોસ્પીટલોમાં નાની-મોટી ક્ષતી દુર કરવા તાકીદ

રાજકોટ તા. ૩૦ :.. શહેરની ઉદય કોવિડ હોસ્પીટલનાં અગ્નિકાંડ બાદ મ.ન.પા. તંત્રએ  શહેરની કોવિડ અને નોન કોવિડ તમામ હોસ્પીટલોમાં ફાયરસેફટી સાધનો સહિતનું કડક ચેકીંગ શરૂ કર્યુ છે જે અંતર્ગત સિવીલ હોસ્પીટલ ઉપરાંત ર૧ ખાનગી હોસ્પીટલમાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે ફાયર સેફટી  અંગે કડક ચેકીંગ કર્યુ હતું. જેમાં ૧૧ હોસ્પીટલોમાં નાની-મોટી ક્ષતીઓ દેખાતાં તેનું સમાર કામ કરાવવાની તાકીદ કરતી નોટીસો અપાયેલ હતી.

આ અંગે ફાયર બ્રિગેડ સુત્રોનાં જણાવ્યા મુજબ નિલકંઠ, આયુષ, દેવ, શાંતિ, સૌરાષ્ટ્ર, હોપ, ક્રિષ્ના, જેનેશીસ, સેલસ, રંગાણી, પરમ, વગેરે ૧૧ જેટલી હોસ્પીટલોમાં ફાયર સેફટી, ઇલેકટ્રીક સાધનો, ગેસ પ્લાન્ટ, વેન્ટીલેટર વગેરેમાં નાની-મોટી ક્ષતિઓ જણાતા આ બાબતે નોટીસો અપાયેલ.

આ ઉપરાંત ર૦૦ જેટલી નોન કોવિડ હોસ્પીટલોમાં પણ ફાયર સેફટી અંગે ચેકીંગ ગઇકાલથી શરૂ કરી દેવાયાનું સુત્રોએ જણાવ્યું હતું.

(3:40 pm IST)