Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું શહેર પોલીસે કર્યુ આયોજનઃ એકતા અને અંખડિતતાના શપથ લેવડાવતાં નાયબ મુખ્યમંત્રી

પોલીસ શહિદ દિવસની ૨૧મીથી શરૂ થયેલી ઉજવણીની અલગ-અલગ કાર્યક્રમો સાથે આજે પુર્ણાહુતિઃ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમીતે બહુમાળી ચોકમાં : નિતીનભાઇ પટેલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, રૂરલ એસપી બલરામ મીણા, કલેકટર રેમ્યા મોહન, ધારાસભ્ય અરવિંદ રૈયાણીની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરી યોજાયો કાર્યક્રમઃ આરપીઆઇ એમ. એ. કોટડીયાએ કમાન્ડરની જવાબદારી નિભાવી

રાજકોટ તા. ૩૧: લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિતે આજે શહેરના બહુમાળી ચોકમાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના સ્થળ પર રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું આયોજન શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને તેમણે દેશની એકતા અખંડિતતાના શપથ લેવડાવ્યા હતાં. એ પછી પોલીસે પરેડ યોજી હતી.

શહેર પોલીસ દ્વારા યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સોૈ પ્રથમ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરી અંજલી આપી હતી. બાદમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી શ્રી પ્રવિણકુમાર મીણા, રૂરલ એસપી શ્રી બલરામ મીણા, કલેકટરશ્રી રેમ્યા મોહન, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ પણ ફુલહાર કર્યા હતાં.

ત્યારબાદ શહેર પોલીસે માર્ચ પાસ્ટનું આયોજન કર્યુ હોઇ તેની ફલેગઓફ સેરેમની યોજાઇ હતી. નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજામંદી માંગી પરેડ કમાન્ડર આરપીઆઇ એમ. એ. કોટડીયાએ પરેડનો પ્રારંભ કર્યો હતો. જે બહુમાળી ભવન ચોકથી જીલ્લા પંચાયત અને ત્યાંથી કિસાનપરા ખાતે પહોંચી હતી. જ્યાં સમાપન કરાયું હતું.

એ પહેલા નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શહેર પોલીસે ૨૧ ઓકટોબરના રોજ પોલીસ શહિદ દિવસથી આજે રાષ્ટ્રીય એકતા દિવસ સુધી ઉજવણીનું આયોજન કર્યુ હતું. આ દસ દિવસ દરમિયાન પોલીસ શહિદ દિન, ઇન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશન, પોલીસ બેન્ડ પરફોર્મન્સ, રન ફોર યુનિટી, કિર્તીદાન ગઢવી અને દેવાયત ખવડના સાંસ્કૃતિક કાર્યક્રમો ઓનલાઇન યોજાયા હતાં. જેને લાખો વ્યુઝ મળ્યા હતાં. છેલ્લે સાયબર અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો અને આજે એકતા દિવસની ઉજવણી તથા પરેડનું આયોજન કરાયું હતું. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે નાયબ મુખ્યમંત્રીશ્રીને યાદગીરી રૂપે સદરાર વલ્લભભાઇની પ્રતિમા અર્પણ કરી હતી. તસ્વીરોમાં દેશની એકતા અખંડિતતાના શપથ લેવાયા તે દ્રશ્ય, નાયબ મુખ્યમંત્રીશ્રીને ભેટ અર્પણ કરાઇ તે દ્રશ્ય, પરેડના દ્રશ્યો તથા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરી નમન કરતાં નિતીનભાઇ પટેલ જોઇ શકાય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિંગર, એનાઉન્સર જીલ એન્ટરટેઇનમેન્ટના શ્રી તેજસ શીશાંગીયાએ પોતાની આગવી શૈલીમાં કર્યુ હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(10:29 am IST)