Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

રાજકોટમાં કીડની હોસ્પિટલ શરૂ કરવામાં કેશુબાપાનું મહત્વનું યોગદાન હતુ

કેશુભાઇએ કહેલુ તમે તો સરકારનું કામ કરો છો, તમારો હેતુ સમાજ સેવાનો છે અને તાત્કાલીક ટોકનદરે જમીન ફાળવી આપી હતી

રાજકોટઃ ભુતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી કેશુભાઇ પટેલે રાજકોટમાં કિડની હોસ્પિટલ શરૂ કરવા મહત્વનું યોગદાન આપેલ છે. તેમના સહકારથી ૧૨૫૦૦ ચોરસ વાર જમીન ટોકન ભાડાથી સરકારએ આપી. ૬ઠ્ઠી જુન ૧૯૯૯ ના રોજ શ્રી કેશુભાઈ પટેલના  હસ્તે ભુમિપૂજન કરવામા આવ્યુ હતું અને દંતાલી આશ્રમના  પૂજય સંત શ્રી સચ્ચિદાનંદજીએ આશિર્વચન પાઠવ્યા. સંતોના આશિર્વાદ, દાતાઓનો સહયોગ તેમજ ટ્રસ્ટી મંડળનો નિશ્વાર્થ પ્રયત્નોથી ફેબ્રુઆરી ૨૦૦૩માં બી.ટી.સવાણી કિડની હોસ્પિટલની શરૂઆત કરવામા આવી. આજે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ એક વટવૃક્ષ બની સમાજના દરેક વર્ગના લોકોને સેવાઓ પુરી પાડે છે. હોસ્પિટલના સ્થાપક મેનેજીંગ ટ્રસ્ટી અને પૂર્વ ચેરમેનશ્રી ડો. પ્રદિપ કણસાગરાએ ડો. વલ્લભભાઇ કથિરીયા સાથે તાજેતરમાં માર્ચ મહિનામાં શ્રી કેશુભાઈ પટેલની ગાંધીનગર તેમના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી અને તેમના ખબર અંતર પુછ્યા હતા અને હોસ્પિટલની પ્રગતિનો અહેવાલ આપ્યો હતો તેમજ હોસ્પિટલ શરૂ કરવા માટે તેમણે જમીન મંજુર કરેલ જેમાટે તેમનો આભાર વ્યકત કરેલ.

 ડો. પ્રદિપ કણસાગરા તેમની સ્મૃતિમાં આભાર વ્યકત કરે છે કે કિડની હોસ્પિટલ માટે જમીન મેળવવા ડો. વલ્લભભાઈ કથિરીયા અને  હરસુખભાઈ સાંઘાણીની ભલામણથી શ્રી વજુભાઇ વાળા સાથે પૂ. કેશુબાપાને મળવા ગયા હતા. કેશુબાપાને મળ્યા પહેલા છ વખત ગાંધીનગર જમીન મેળવવાના પ્રયત્નો  માટે ગયા હતા, પરંતુ ફાઇલ ઝડપથી આગળ વધે અને કિડની હોસ્પિટલની સ્થાપનાનું કામ ઝડપી બને તે માટે કેશુબાપાને મળ્યા ત્યારે તેમણે કહેલ કે તમે તો સરકારનુ કામ કરો છો અને તમારો હેતુ સમાજની સેવા કરવાનો છે તેથી તમો ચિંતા કરો નહી અને તેમણે તાત્કાલિક કિડની હોસ્પિટલ માટે જમીન ફાળવી આપેલ. તેમજ એક મહિનામાં જ જમીન સંપાંદનનો હુકમ અમોને મળી ગયેલ અને રાજકોટમાં કિડની હોસ્પિટલના નિર્માણનું કાર્ય શરૂ થયેલ.

(11:34 am IST)