રાજકોટ
News of Thursday, 1st October 2020

રાજકોટ તાલુકાના ફાડદંગ ગામે માતાની હત્યાના ગુનામાં પુત્રને આજીવન કેદ

માતાએ પૈસા આપવાની ના પાડતા આરોપી પુત્ર બાબુ ગોહેલે સગી જનેતાની હત્યા કરી હતી : મૃતકના મરણોતર નિવેદન અંગે વિવાદ ન હોય ત્યારે ગુનો સાબીત માનવો જોઇએ : જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાની રજુઆત માન્ય રાખી અધિક સેસન્સ જજ બી.એ. વોરાએ સજા ફટકારી

રાજકોટ, તા. ૧ : રાજકોટ નજીક આવેલ ફાડદંડ ગામે સગી જનેતાને લાકડાનો ઘા મારીને હત્યા કરવા અંગે પકડાયેલ તેણીના પુત્ર બાબુ બચુભાઇ ગોહેલ સામેનો કેસ ચાલી જતાં અધિક સેસન્સ જજ શ્રી બી.એ. વોરાએ આરોપી પુત્રને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ તાલુકાના ફાડદંગ ગામે રહેતા મણીબેન બચુભાઇ ગોહેલ (ઉ.વ.૭૦) પાસે તેના પુત્ર બાબુ બચુભાઇ ગોહેલે પૈસા માંગતા માતાએ આપવાનો ઇન્કાર કરતા તા. ર૬-૧૦-૧૭ના રોજ આરોપીએ તેણીના ગુપ્ત ભાગમાં લાકડુ ભરાવીને હત્યા કરી હતી.

આ બનાવ અંગે મરનારની પુત્રવધુ અને આરોપીની ભાભી ભાનુબેન હમીરભાઇ ગોહેલ કુવાડવા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

કુવાડવા પોલીસે આરોપી બાબુ બચુભાઇ ગોહેલ વિરૂદ્ધ ખૂનનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું.

બનાવના કારણમાં આરોપીએ દારૂ માટે માતા પાસે પૈસા માંગ્યાનું પણ કારણ બહાર આવ્યું હતું. આ બનાવની કુવાડવા પોલીસે તપાસ કરીને બનાવમાં વપરાયેલ લાકડુ તેમજ મૃતકનો ચણીયો મુદામાલ તરીકે કબ્જે કર્યો હતો. બનાવના ગણતરીના કલાકોમાં જ કુવાડવા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

આ  કેસ ચાલતા બચાવ પક્ષે એવી રજુઆત કરેલ કે, બનાવમાં વપરાયેલ લાકડુ પોલીસે કબ્જે કરેલ છે, પરંતુ તેમાં મરનારના લોહીના ડાઘના નિશાન મળી આવેલ નથી તેથી આરોપીને સજા કરવા માટે પૂરતો પુરાવો નથી.

આ સામે સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજૂઆત કરેલ કે મૃતકનું મરણોતર નિવેદન છે જે અંગે આરોપી વતી કોઇ વિવાદ ઉભો કરવામાં આવ્યો નથી ગુનો કર્યાનું માનવું અને ગુપ્ત ભાગમાં લાકડુ માર્યું છે. આ બંને અલગ મુદા છે.પ્રોસીકયુશને રજુ કરેલ પુરાવો જોતા આરોપીને નિશંકપણે તકસીરવાન ઠરાવી શકાય તેમ હોય આરોપીને આજીવન કેદની સજા કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને અધિક સેસન્સ જજશ્રી બી.એ. વોરાએ આરોપીને ખુનના ગુનામાં તકસીરવાન ઠરાવીને સજા કટકારી હતી.

અદાલતે વીડીયો કોન્ફરનસના માધ્યમથી સજાના હુકમની જેલમાં જાણ કરી હતી.  આ કામમાં સરકારપક્ષે જીલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે. વોરા રોકાયા હતાં.

સંજયભાઇ વોરા

જીલ્લા સરકારી કવીલ

(3:50 pm IST)