રાજકોટ
News of Friday, 2nd October 2020

હાઇવે પર હેલ્મેટ ફરજીયાત છે...પહેરજો નહિતર દંડ થશેઃ ચેકીંગ વખતે વાહન ચાલકોનો આક્રોશ

એક તો કામધંધા નબળા છે એમાં આવા દંડ દાઝયા પર ડામ જેવા બની રહે છેઃ વાહનચાલક

રાજકોટઃ શહેરને સંલગ્ન હાઇવે પર ટુવ્હીલર ચાલકે હેલ્મેટ પહેરવી ફરજીયાત છે. નહિ પહેરનારાને સીસીટીવી કેમેરા મારફત ફોટા પાડીને ઇ-મેમો ફટકારવામાં આવે છે. તેમજ પોલીસ અલગ-અલગ હાઇવે પર રૂબરૂ ચેકીંગ કરી હેલ્મેટ વગરના વાહન ચાલકો પાસેથી દંડ વસુલવામાં આવે છે. આજે માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફના હાઇવે પર ટ્રાફિક પોલીસે હેલ્મેટ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી અને દંડ વસુલ કર્યો હતો. કેટલાક વાહન ચાલકોએ હેલ્મેટના દંડ સામે પોલીસ સમક્ષ આક્રોશ પણ ઠાલવ્યો હતો. જે નીચેની તસ્વીરમાં જોઇ શકાય છે. એક વાહન ચાલકે પોલીસ સમક્ષ કરગરીને કહ્યું હતું કે મજૂરી કરી ગુજરાન ચલાવતાં નાના માણસોને હાલમાં કોરોનાને કારણે પુરતી રોજગારી મળી રહી નથી ત્યારે ભુલથી શહેરી વિસ્તારમાંથી શહેરને ટચ હાઇવે પર કામ સબબ હેલ્મેટ વગર પહોંચી જાય તો તેની સામે દયાભાવના રાખવી જરૂરી છે. કોરોનાકાળમાં એક તો લોકોને પુરતા કામ-મજૂરી મળી રહ્યા નથી ત્યારે આવા હેલ્મેટના મસમોટા દંડના ડામ વધુ પરેશાની આપનારા બની રહે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:16 pm IST)