રાજકોટ
News of Friday, 2nd October 2020

૧૩-૧૪ વર્ષના બે ટેણીયા મોંઘીદાટ સાઇકલો ચોરી ૫૦૦ થી ૧૦૦૦માં વેંચી મારતાં: ધરપકડઃ ૧૯ સાઇકલો કબ્જે

બંને ટેણીયા રેકી કરી ઘરના ફળીયા, એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી તાળા વગરની સાઇકલો ચોરતાં: ૧,૦૬,૦૦૦ની સાઇકલો ચોરી'તી : હેડકોન્સ. મનરૂપગીરી, મનિષભાઇ અને મૈસુરભાઇની બાતમી ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ જે. બી. પટેલ અને ટીમની વધુ એક પ્રસંશનીય કામગીરી

રાજકોટ તા. ૨: કોરોનાકાળમાં સાઇકલનું ચલણ વધ્યું છે. સાથોસાથ સાઇકલોની ચોરીના બનાવો પણ વધ્યા છે. ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેણાંકોના ફળીયા તથા એપાર્ટમેન્ટમાંથી લોક કર્યા વગરની મોંઘીદાટ સાઇકલો છેલ્લા કેટલાક સમયથી સતત ચોરાઇ રહી હતી. ટુંકાગાળામાં જ એકાદ લાખથી વધુની કિંમતની ૧૯ સાઇકલો ચોરાઇ ગઇ હતી. આ ભેદ પોલીસે ઉકેલી નાંખી ૧૩ અને ૧૪ વર્ષની વય ધરાવતાં બે ટાબરીયાને પકડી લઇ રૂ. ૧,૦૬,૦૦૦ની ૧૯ સાઇકલો કબ્જે કરી છે. આ બંને મોજશોખ માટે મોંઘીદાટ સાઇકલ માત્ર ૫૦૦ થી ૧૦૦૦માં વેંચી મારતાં હતાં!

ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં કેટલાક સમયથી સાઇકલો ચોરીના બનાવ વધ્યા હોઇ પીઆઇ જે. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. બી. પટેલ તથા ટીમે તપાસ શરૂક રી હતી અને બાતમીદારોની ટીમોને કામે લગાડી સીસીટીવી કેમેરા ચેક કરવા તજવીજ કરી હતી. દરમિયાન હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. મનિષભાઇ શિરોડીયા અને મૈસુરભાઇ કુંભરવાડીયાને મળેલી બાતમી પરથી બે ટાબરીયાને સકંજામાં લેવાયા હતાં.

પુછતાછમાં આ બંનેએ ૧૯ સાઇકલો ચોરી કર્યાની અને પાણીના ભાવે મજૂરોને વેંચી દીધાનું કહેતાં પોલીસે આ સાઇકલો કબ્જે કરી હતી. પોલીસે કબ્જે કરેલી એ-વન, હોરી, કોરાડો, હગ, સનક્રોસ, સ્પોર્ટન, હરકયુલિયીસ સહિતની કંપનીની સાઇકલોની કિંમત રૂ. ૪૦૦૦ થી માંડી ૮૦૦૦ સુધીની છે. બંને સગીરો ગરીબ પરિવારના છે અને પોતાના મોજશોખ પુરા કરવા માટે ચોરીના રવાડે ચડ્યા હતાં. અલગ-અલગ વિસ્તારમાં પગપાળા જઇ રેકી કરતાં અને ફળીયા કે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લોક વગરની સાઇકલ હોય તો ઉઠાવી લેતાં હતાં. મોટે ભાગે મોંઘી અને વા જેવી સાઇકલો હોય એ જ ચોરતાં હતાં. બાદમાં માત્ર ૫૦૦ થી ૧૦૦૦માં વેંચી રોકડી કરી લેતાં હતાં.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એચ. એલ. રાઠોડની સુચના તથા પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ જે. બી. પટેલ, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી, સલિમભાઇ મકરાણી, કોન્સ. વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, મનિષભાઇ, દિવ્યરાજસિંહ, રાજશેભાઇ,  રણજીતસિંહ જાડેજા, મૈસુરભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(3:17 pm IST)