રાજકોટ
News of Friday, 2nd October 2020

મગફળી ખરીદવા બપોર સુધીમાં ૩ર૧૮૩ ખેડૂતોની નોંધણીઃ ઓપરેટરોના વિકલ્પે તલાટીઓને જોડાયા

ગઇકાલે રાત સુધીમાં ૧૯ હજાર ખેડૂતો નોંધાયેલા, આજે સવારથી બપોર સુધીમાં ૧ર હજારથી વધુ ખેડૂતોની નોંધણીઃ રાત્રે ૧૧ વાગ્યા સુધી નોંધણી : ચાલુ રહેશેઃ રાજકોટ પંચાયત તલાટી મંડળે કોમ્પ્યુટર ઓપરેટરોની હડતાલને ટેકો જાહેર કર્યો

રાજકોટ તા. ર :. રાજય સરકાર દ્વારા તા.ર૧ થી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થનાર છે.તે પૂર્વે ગઇકાલથી નાગરીક પુરવઠા નિગમ દ્વારા નોંધણી શરૂ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતોના કમિશન આધારિત કોમ્પ્યુટર ઓપરેટરોએ પોતાના પ્રશ્નો આગળ ધરી કામગીરીનો બહિષ્કાર કરતા સરકારે  રાજકોટ સહિતના જિલ્લાઓમાં પંચાયતના તલાટીઓને ઓનલાઇન નોંધણીની કામગીરી સોંપી દીધી છે. ગઇકાલથી આજે બપોરે  ૧ર વાગ્યા સુધીમાં  રાજયમાં ખેડૂતોની ૩ર૧૮૩ અરજીઓ નોંધાઇ ગઇ છે. કેટલાક સ્થળોએ મુળ ઓપરેટરો કામે લાગી ગયા છે.

રાજય કક્ષાએથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા માટે પુરવઠા નિગમના એમ. ડી. તુષાર ધોળકીયા અને જનરલ મેનેજર એસ. કે. મોદી સંકલન કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ સરકારના સતત સંપર્કમાં રહીને ઓપરેટરોના વિકલ્પે તલાટીઓ હસ્તક કામગીરી શરૂ કરાવી છે. રાજકોટ જિલ્લા તલાટી કમમંત્રી કોમ્પ્યુટર ઓપરેટરોને ટેકો જાહેર કર્યો છે પણ ફરજ રાબેતા મુજબ ચાલુ રાખી છે. પુરવઠા નિગમે  કોમ્પ્યુટર ઓપરેટરોને મગફળી માટે ખેડૂતોની અરજી દીઠ કમીશન રૂ. ૧૦ થી વધારીને રૂ. ૧પ કર્યુ છે. ગયા વર્ષનું પુરવઠા નિગમ હસ્તકનું બાકી લેણુ પણ ચૂકવાઇ ગયાનું નિગમના વર્તુળોનું કહેવું છે.

ગઇકાલે પ્રથમ દિવસે રાત સુધીમાં ૧૯ હજાર જેટલા ખેડૂતોની નોંધણી થઇ ગયેલ. આજે બપોર સુધીમાં નોંધણીનો કુલ આંકડો  ૩ર હજારને પાર કરી ગયો  છે. અમૂક જિલ્લાઓમાં ઓપરેટરો અને તલાટીઓ બન્ને ફરજ પર છે. બે-ત્રણ દિવસમાં ગાડી પાટે ચડી જતા ઓન નોંધણી  પ્રક્રિયા વધુ ઝડપી બનશે તેમ નિગમના વર્તુળો જણાવે છે. 

(3:56 pm IST)