રાજકોટ
News of Friday, 8th January 2021

રાજકોટ ક્રિમીનલ-સિવિલ કોર્ટ બિલ્ડીંગના કેન્ટીન પાસેના ત્રણ દરવાજા ખોલવા ડીસ્ટ્રીકટ જજને આવેદન

નોટરી વકીલોનો ૧૦ માસથી વ્યવસાય બંધ છેઃ નોટરી વકીલોની રજુઆત

રાજકોટ તા. ૮: રાજકોટ ક્રિમીનલ કોર્ટ બિલ્ડીંગના કેન્ટીન પાસેના ત્રણ દરવાજાઓ ખોલી આપવા અંગે સંખ્યાબંધ નોટરી-વકીલોએ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રીને પત્ર પાઠવીને રજુઆત કરી હતી.

રાજકોટ શહેર સહીતના ચાર મહાનગરોમાં હાલની કોરોનાની મહામારીના કારણે કોર્ટ કાર્યવાહીઓ અરજન્ટ સિવાયની તમામ બંધ છે. બીજી તરફ હાઇકોર્ટ દ્વારા તથા આપના દ્વારા અપાયેલ આદેશોનું તમામ એડવોકેટ તથા નોટરીઓએ ચુસ્તપણે આજદિવસ સુધી પાલન કરેલ છે તેમજ આપના આદેશ મુજબ કોર્ટના કેન્ટીન પાસેના દરવાજાઓ બંધ કરવામાં આવેલ છે.

કોર્ટ કેમ્પસ બંધ હોવાના કારણે હાલના સંજોગો જોતા છેલ્લા દસ માસથી અંદાજે પ૦૦ થી વધારે એડવોકેટસ તથા નોટરીઓનું કામકાજ સદંતર બંધ છે. જેના કારણે ઉપરોકત એડવોકેટ/નોટરીઓને મોચી બજાર કોર્ટની આજુબાજુ ટેબલ ખુરશીઓ રાખી પોતાની રોજગારી અને કામકાજ કરવાનો હાલમાં સમય આવી ગયેલ છે. તે રીતે એડવોકેટ તથા નોટરીઓનું કામકાજ કોઇ વ્યકિતને અંદર પ્રવેશવા દેવાતા ન હોવાથી અને અંદર બેસતા એડવોકેટ નોટરી બહાર જઇ શકતા ન હોય કામજ અને રોજગારીમાં ખુબ જ મોટા પાયે તરલીફ ઉપસ્થિત થયેલ છે.

હાલમાં ઉપર મુજબ અમો એડવોકેટસ/નોટરીઓને અમારા કામકાજ કરાવામાં ઘણી અવડતા પડે છે તેમજ અમારા અસીલો અંદર આવી શકતા ન હોય, અમારા અસીલોને પણ ઘણી અગવડતા પડે છે. એડવોકેટ/નોટરીઓને બહાર રસ્તામાં બેસી કામ કાજ કરવું પડે છે અને તેમાં રસ્તાઓ પરથી ચાલતા વાહનો/રાહદારીઓને કારણે પણ કામકાજ કરવામાં ઘણી અગવડતા પડે છે.

અમો એડવોકેટસ/નોટરીઓની ઉપરોકત મુશ્કેલીઓ ધ્યાને લઇ મોચી બજાર સ્થિત આવેલ નીચેની કોર્ટના કેન્ટીન પાસેના ત્રણ દરવાજાઓ માત્ર એડવોકેટસ/નોટરીઓના કામકાજ માટે ખોલી આપવામાં આવે તો અમો અમારા ટેબલે હેરાનગતી વગર અમારૃં કામકાજ કરી શકીએ અને અમોને થતી મુશ્કેલીઓ દુર થઇ શકે. ઉપરોકત ત્રણ દરવાજા ખોલવાથી કોર્ટના અન્ય કામકાજ માટે આવતા લોકો સિવાય અન્ય લોકોને માત્ર એડવોકેટ/નોટરીના કામકાજ માટે જ કોર્ટે આવતા હોય તેટલા પુરતા કામકાજ માટે ત્રણેય દરવાજા ખોલી આપવા જરૂરી છે જે ધ્યાને લઇ યોગ્ય આદેશ આપી ત્રણેય દરવાજા ખોલી આપવા અમારી નમ્ર વિનંતી છે. તેમ નોટરી વકીલોને આવેદનપત્રમાં જણાવેલ છે.

(3:01 pm IST)