રાજકોટ
News of Sunday, 15th November 2020

વિજયભાઈ રાજકોટમાં ચોપડા પૂજનમાં હાજરી

ગરેડીયા કુવા રોડ ઉપર આવેલી તેમની દુકાને સાંજે પરિવારજનો સાથે ચોપડા પૂજન કરશે

રાજકોટ : રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે દિવાળી પર્વના શુભ દિવસે પરંપરા મુજબ આજે રાજકોટમાં છે. દિવસ દરમિયાન પોતાના નિવાસસ્થાને જ રહેશે. સાંજના ગરેડીયા કુવા રોડ ઉપર આવેલી તેમની દુકાને ચોપડા પૂજનમાં હાજરી આપનાર છે.

એરપોર્ટ પર જિલ્લા કલેકટર રેમ્યા મોહન, અધિક કલેકટર પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી અને મેયર બીનાબેન આચાર્યએ તેમનું સ્વાગત કર્યુ હતું.

સ્વાગતની ઓપચારીકતા પૂરી થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રકાશ સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા આજનો આખો દિવસ તે પોતાના પરિવારના સભ્યો સાથે રહેશે અને દિવાળીની ઉજવણી કરશે. આજે શહેર ભાજપના સરકારના કે અન્ય કોઈ પ્રકારના જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ નથી. રૂપાણી પરીવારની પેઢી ગરેડીયા કુવા રોડ પર આવેલી છે અને ત્યાં સાંજે ચોપડા પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણીએ જણાવેલ કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સવારે ૧૦ વાગ્યે પોતાના હોમટાઉન રાજકોટ આવી પહોંચ્યા હતા અને દિવસ દરમિયાન પોતાના ઘરે જ રહેશે. કોઈ સત્તાવાર કાર્યક્રમ નથી.

સાંજે ૬ વાગ્યાની આસપાસ ગરેડીયા કુવા રોડ ઉપર આવેલી તેમની દુકાને જનાર છે. જયાં તેઓ શાસ્ત્રોકત વિધિવિધાન સાથે ચોપડા પૂજન પરિવારજનો સાથે કરનાર છે. અન્ય કોઈ સત્તાવાર કાર્યક્રમો યોજાનાર નથી. ચોપડા પૂજન બાદ રાત્રીના ગાંધીનગર જવા રવાના થશે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:40 pm IST)