રાજકોટ
News of Wednesday, 16th September 2020

કાલે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું વિજયભાઇ રૂપાણીના હસ્તે ઈ-લોન્ચિંગ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષગાંઠના દિવસે : મ્યુ. કોર્પોરેશન દ્વારા બપોરે ૩.૩૦ કલાકે અટલબિહારી ઓડિટોરીયમ, પેડક રોડ ખાતે લાઇવ કાર્યક્રમઃ મંત્રી આર. સી. ફળદુની ઉપસ્થિતી

રાજકોટ, તા. ૧૬ :  રાજય સરકાર દ્વારા ગુજરાત રાજયના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૧૦ લાખ મહિલાઓને શૂન્ય ટકા વ્યાજે લોન ધિરાણ આપવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવનાર છે. આ યોજનાનું આવતી કાલે તા. ૧૭-૯-૨૦૨૦ના રોજ ગુરૂવારે બપોરે ૩.૩૦ વાગ્યે રાજયના મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ઈ-લોન્ચિંગ કરવામાં આવનાર છે. રાજય સરકાર ના આ ઈ-લોન્ચિંગ કાર્યક્રમનો રાજકોટ ખાતેનો લાઈવ પ્રોગ્રામ પેડક રોડ પર સ્થિત   અટલ બિહારી ઓડિટોરિયમ ખાતે યોજાશે જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજયના   મંત્રી   આર.સી.ફળદુ તેમજ મનપાના પદાધિકારી ઓ અને કોર્પોરેટર ઓ ઉપસ્થિત રહેશે, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન   ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ અને મનપાની શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટની યોજનાઓની સમિતિના ચેરમેન   રૂપાબેન શીલુની સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન   ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર   ઉદિત અગ્રવાલ અને મનપાની શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટની યોજનાઓની સમિતિના ચેરમેન   રૂપાબેન શીલુએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીમાં અનેક લોકોને આર્થિક રીતે વિકટ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. રાજય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવનાર આ યોજના ખૂબ જ સરાહનીય છે. મહિલા જૂથને ૧ લાખ રૂપિયાનું લોન ધિરાણ પ્રાપ્ત થઇ શકશે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના  વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીના વર્ષગાંઠના દિવસે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. આ યોજનાનો લાભ છેવાડાના અંતરિયાળ વિસ્તારોની માતા-બહેનો સુધી મળી રહે તે માટે વધુને વધુ બહેનોના જૂથ બનાવવાના યોજનાના ભાગરૂપે રાજય સરકાર એ પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે.

રાજય સરકાર  દ્વારા મહિલાઓને સક્ષમ બનાવવા માટે અવનવા અવસરો અમલમાં મુકવવામાં આવે છે. જેવા કે નારી શકિત, મહિલા સશકિતકરણ, નારી સંવાદ જેવા, તેવી જ રીતે મહિલાઓને વ્યકિતગત અને સહભાગી ઉધ્યમિતાની સ્થાપના, મજબુતીકરણ અને સશકિતકરણ દ્વારા મહિલાઓને આર્થીક અને સામાજીક વિકાસના મજબુત પાયા પર મહિલાઓને સક્ષમ બનાવવા રાજય સરકાર  દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.   પ્રધાનમંત્રી ના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ-લોન્ચીંગ કાર્યક્રમ થકી સમગ્ર ગુજરાત રાજયની મહીલાઓને   મુખ્યમંત્રી  ભેટ આપવા જઇ રહ્યા છે.

આ યોજના હેઠળ મહિલાઓને જોઇન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગૃપ (JLESC)મા જોડાવી જુથ રચના કરવામાં આવશે. જેમા સરકારી બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો અને ધિરાણ સંસ્થઓ મારફત જુથોને રકમ રૂ, ૧ (એક) લાખ સુધીની લોન સહાય આપવામાં આવશે.

આ યોજના માટે રાજય સરકાર દ્વારા રૂ.૧૭૫ કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રાજયના ગ્રામીણ ક્ષેત્રમાં ૫૦ હજાર અને શહેરી વિસ્તારમાં ૫૦ હજાર એમ કુલ ૧ લાખ જોઇન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ-મહિલા જૂથની રચના કરાશે. આવા પ્રત્યેક જૂથમાં ૧૦ મહિલાઓને સહભાગી બનાવીને કુલ ૧૦ લાખ બહેનોને કુલ રૂ.૧ હજાર કરોડ સુધીનું ધિરાણ આ યોજના હેઠળ તબક્કાવાર આપવાનું રાજય સરકાર  દ્વારા આયોજન છે.

(3:36 pm IST)