રાજકોટ
News of Wednesday, 16th September 2020

અમરગઢ ભીચરીનો વિનોદ ડાંગર કંપનીમાં ચાલતા પોતાના ટેન્કરમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરતાં પકડાયો

કુવાડવા પોલીસે ડ્રાઇવર-કલીનરને પણ પકડ્યાઃ એક ખાનામાંથી ૨૦૦ લિટર ડિઝલ અને બીજા ખાનામાંથી ૪૦ લિટર પેટ્રોલ ચોરી કેરબા-બેરલ બોલેરોમાં મુકી ભાગે એ પહેલા દરોડોઃ કુલ રૂ. ૨૭,૪૭,૦૦૦નો મુદ્દામાલ કબ્જે : એકાદ વર્ષથી ટેન્કર કોન્ટ્રાકટમાં મુકયું છેઃ સમયાંતરે આ રીતે પેટ્રોલ-ડિઝલ કાઢી લેતો'તો : હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, કોન્સ. સતિષભાઇ લાવડીયા અને વિરદેવસિંહ જાડેજાની બાતમી પરથી કાર્યવાહી : ટેન્કરનું લોક ખોલવા ખાસ ટી આકારના બે પાનાનો ઉપયોગ

રાજકોટ તા. ૧૫: અમરગઢ ભીચરીનો શખ્સ વિનોદ ગીગાભાઇ ડાંગર (ઉ.વ.૩૦) પોતાનું ટેન્કર કંપનીમાં કોન્ટ્રાકટથી ચાલતું હોઇ આ ટેન્કર ભીચરી ગામના પાદરમાં 'ભાઇની કૃપા' નામની કેબીન સામે ઉભુ રખાવી તેમાંથી પેટ્રોલ-ડિઝલ ચોરી કેરબા બોલેરોમાં મુકી રવાના થાય એ પહેલા કુવાડવા રોડ પોલીસે દરોડો પાડી તેને તથા  ટેન્કરના ડ્રાઇવર-કલીનરને પકડી લીધા છે. એકાદ વર્ષથી તેનું ટેન્કર કંપનીમાં ચાલે છે. સમયાંતરે તે આ રીતે ચોરી કરતો હોવાનું ખુલ્યું છે.

પોલીસે વિનોદ ડાંગર (આહિર) તેમજ ટેન્કરના ડ્રાઇવર-કલીનર જામનગરના લાલપુરના દોલત આલાભાઇ પરમાર (રબારી) (ઉ.વ.૨૫) અને સિંગજના અતુલ ગડવાભાઇ પરમાર (રબારી) (ઉ.વ.૨૯)ની સામે આઇપીસી ૩૭૯, ૪૦૭, ૧૧૪ મુજબ ચોરીનો ગુનો નોંધી ધરપકડ કરી ટેન્કરમાંથી ચોરી કેરબામાં ભરેલુ રૂ. ૧૪ હજારનું ૨૦૦ લિટર ડિઝલ તથા રૂ. ૨૮૦૦નું ૪૦ લિટર પેટ્રોલ તેમજ ડિઝલ-પેટ્રોલ ભરેલુ ટેન્કર, જીજે૦૩બીડબલ્યુ-૨૪૨૦ નંબરની બોલેરો ગાડી, ટેન્કરનું લોક ખોલવા ઉપયોગમાં લેવાતાં ટી આકારના લોખંડના પાના મળી કુલ રૂ. ૨૭,૪૭,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં કુવાડવા પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ બી. પી. મેઘલાતર, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, જયંતિભાઇ એસ. ગોહિલ, કિશોરભાઇ પરમાર, કોન્સ. સતિષભાઇ લાવડીયા, વિરદેવસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા અને મુકેશભાઇ સબાડે અરવિંદભાઇ મકવાણા, સતિષભાઇ અને વિરદેવસિંહની બાતમી પરથી આ દરોડો પાડ્યો હતો. કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરાઇ હતી.

વિનોદ ડાંગરે પ્રાથમિક પુછતાછમાં રટણ કર્યુ હતું કે તેણે એકાદ વર્ષથી પોતાનું ટેન્કર કંપનીમાં મુકયું છે. સમયાંતરે તે આ રીતે પેટ્રોલ-ડિઝલ કાઢતો હતો. પીએસઆઇ મેઘલાતર વિશેષ તપાસ કરી રહ્યા છે.

(11:40 am IST)