રાજકોટ
News of Wednesday, 16th September 2020

લોકડાઉનમાં ટૂર્સ ટ્રાવેલ્સનો ધંધો ઠપ્પ થતાં નવો નુસ્ખો અજમાવ્યો'તો

કલાકના ૬૦૦ લેખે ક્રિકેટ રમવા મેદાન ભાડે આપતોઃ હવે ૨૦ ટીમો વચ્ચે ટૂર્નામેન્ટ ચાલુ કરતાં દિપની ધરપકડ

યુનિવર્સિટી પોલીસે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ મોમેન્ટ પાર્ટી પ્લોટમાં મોડી રાત્રે દરોડો પાડ્યો

રાજકોટ તા. ૧૫: કોરોનાને કારણે અનલોક-૪માં પણ લોકોએ નિયમોનું અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવાનું છે.  આમ છતાં લોકો કોરોના અંગેના કાયદાનો ભંગ કરતાં રહે છે. નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર મલ્ટી બ્રાન્ડ કાર વર્કશોપ સામે મોમેન્ટ પાર્ટી પ્લોટમાં મોડી રાતે ચાલી રહેલી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દરોડો પાડી આયોજક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

કોરોના કાળમાં સરકારે આગામી ૨૧/૯થી સામાજીક, રાજકીય, રમત-ગમત, મનોરંજન, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં માણસો ભેગા થતાં હોય તેવી તમામ પ્રવૃતિમાં ૧૦૦ માણસો સાથે આયોજન કરી શકાશે તેવી છુટછાટ આપી છે. પરંતુ  તેમાં સોશિયલ ડિસ્ટન્સ, સનેેટાઇઝર, માસ્ક સહિતના નિયમોનું પાલન કરવું પડશે. પરંતુ ૨૧મી પહેલા જ મોમેન્ટ પાર્ટી પ્લોટમાં કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે પેન્ટાગોન સી-૨૦૪માં રહેતાં દિપ મહેશભાઇ તન્ના (ઉ.વ.૨૫) નામના યુવાને ૨૦ ટીમો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ કરી હોઇ અને ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોઇ તેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી ગુનો નોંધી દિપની ધરપકડ કરી હતી.

દિપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. પરંતુ લોકડાઉનમાં આ ધધો ઠપ્પ હોઇ તેણે મોમેન્ટ પાર્ટી પ્લોટવાળુ મેદાન ભાડેથી લીધુ હતું. આ મેદાન તે પાંચ-છ લોકોને ક્રિકેટ રમવું હોય તો કલાકના રૂ. ૬૦૦ લેખે ભાડેથી આપતો હતો. આ રીતે તે આવક રળતો હતો. પરંતુ હવે એક સામટી ૨૦ ટીમોને જોડી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરી નાંખતા અને રાત્રીના મેચ રમાડી સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કરતો હોઇ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ કે. એ. વાળા, પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ. જયંતિગીરી ગોસ્વામી, મુકેશભાઇ ડાંગર, કૃષ્ણદેવસિંહ ઝાલા, અજયભાઇ ભુંડીયા ,પુષ્પરાજસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(12:52 pm IST)