રાજકોટ
News of Wednesday, 16th September 2020

વાવડીમાં યુનુસ ભૈયાના ડેલામાંથી ૨૧ લાખનું જ્વલંતશીલ પ્રવાહી જપ્ત

૫૨૯૦૦ લિટર જથ્થો કબ્જેઃ સુરક્ષાને લગતાં સાધનો પણ નહોતાં: તાલુકા પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૫: બે દિવસ પહેલા ક્રાઇમ બ્રાંચની ટીમે કોઠારીયા સોલવન્ટ નુરાનીપરામાં બે ડેલામાં દરોડો પાડી ૧.૧૨ કરોડનો જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો કબ્જે કર્યો હતો. દરમિયાન હવે તાલુકા પોલીસે ગોંડલ રોડ વાવડીમાંફાલ્કન પંપ રોડ પર સર્વે નં. ૩૬ પ્લોટ નં. ૪૫માં આવેલા યુનુસ મહમદભાઇ ભૈયાના ડેલામાં દરોડો પાડી રૂ. ૨૧,૧૬,૦૦૦નું ૫૨૯૦૦ લિટર જ્વલંતશીલ પ્રવાહી ગેરકાયદેસર રીતે સંઘરી રખાયું હોઇ કબ્જે કરી કાર્યવાહી કરી છે.

તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ જે. ડી. વાઘેલા અને કોન્સ. પૃથ્વીરાજસિંહ ગોહિલને બાતમી મળી હતી કે વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા યુનુસ ભૈયાનાડેલામાં ગેરકાયદેસ રીતે જ્વલંંતશીલ પ્રવાહી સ્ટોરેજ કરી વેંચાણ કરવામાં આવે છે અને સુરક્ષાને લગતાં સાધનો પણ નથી. આ માહિતી પરથી દરોડો પાડવામાં આવતાં ૨૧,૧૬,૦૦૦નો જથ્થો મળતાં મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે. એસ. ગેડમની સુચના હતી કે શહેરમાં જ્યાં પણ ગેરકાયદેસર રીતે જ્વલંતશીલ પ્રવાહી કે પદાર્થો સ્ટોરેજ થતાં હોઇ ત્યાં તપાસ કરી કાર્યવાહી કરવી. આ સુચના અંતર્ગત પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ વી. પી. આહિર, એએસઆઇ જે. ડી. વાઘેલા, દિલીપસિંહ વાઘેલા, કલ્પેશભાઇ કુવાડીયા, પૃથ્વીરાજસિંહ ગોહિલ, કુશલભાઇ જોષી, નિલેષભાઇ સહિતે આ આ કામગીરી કરી હતી.

(12:54 pm IST)