રાજકોટ
News of Wednesday, 16th September 2020

લોહી તપાસ માટે ચાઇનાથી મશીનો ખરીદ્યા : કોંગ્રેસનો ધડાકો

ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત જુદા : સોશ્યલ મિડીયામાં ચાઇનાનો બહિષ્કાર કરવાની કાગરોળ કરતા શાસકોએ ચાઇનાને કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યો : પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરતા ડો. હેમાંગ વસાવડા

રાજ્ય સરકાર દ્વારા લોહી તપાસના ચાઇનાના મશીન ખરીદવામાં આવતા આ અંગે કોંગ્રેસ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ વિસ્તૃત વિગતો જાહેર કરી હતી. આ તકે અશોકસિંહ વાઘેલા, ગાયત્રીબા વાઘેલા, મહેશ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, પ્રદિપ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૬ : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એક તરફ આત્મનિર્ભર ભારતની વાતો કરી રહી છે અને ચાઇનાની વસ્તુના બહિષ્કાર કરવાનો કાગરોળ મચાવી રહી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિવિધ શહેરોની હોસ્પિટલો માટે ચાઇનાથી લોહી તપાસના મશીનો મંગાવામાં આવ્યા છે. આ મશીન મુકતા રૂ. ૧૧.૨૫ કરોડ દર વર્ષે અને પાંચ વર્ષના અંતે અંદાજીત રૂ. ૫૭ કરોડ કરતા વધારે રૂપિયાઓ ચીન જશે તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરી સરકારના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છેની કહેવતને સાર્થક કરતું હોય તેવો આક્ષેપ કર્યો હતો.

આજે સવારે ૧૧ કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, ગઇકાલે ગુજરાત સરકારે ચીની બનાવટના માઇન્ડરે કંપ્નીના મશીનો, ગુજરાતની વિવિધ હોસ્પિટલો માટે ખરીદ્યા છે. આ મશીનરી ખરીદી પાછળ, મશીન દીઠ ૧.૨૫ કરોડ ચૂકવણા છે. આ કંપનીનું હેડકવાર્ટર ચીનમાં શેનઝેન શહેરમાં આવેલું છે. આ કંપની દુનિયાના વિવિધ દેશોમાં લેબોરેટરીના સાધનો વેચે છે.

સરકારે માત્ર ચીનના મશીનો નથી ખરીદ્યા પરંતુ આ મશીનમાં વપરાતા કેમીકલ પણ આવતા પાંચ વર્ષ સુધી ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ કેમીકલની પ્રતિ દર્દી દીઠ રૂ. ૩૦ની કિંમત આવે છે. એક શહેરમાં રોજના ૫૦૦ ટેસ્ટ થાય તો રૂ. ૧૫,૦૦૦ દરેક દિવસના ચીનમાં જશે. એક હોસ્પિટલમાંથી ચીનમાં જતા રૂપિયાનો વાર્ષિક અંદાજ રૂ. ૪૫ લાખ રૂપિયા ચીનમાં જશે. આવા ૨૫ મશીન મુકતા, રૂ. ૧૧.૨૫ કરોડ દર વર્ષે અને પાંચ વર્ષના અંતે અંદાજીત રૂ. ૫૭ કરોડ રૂપિયા કરતા વધારે રૂપિયા ચાઇના જશે. આમ, ગુજરાત સરકારે ચાઇનાને કરોડો રૂપિયાની લાણી કરી આપી છે.

આમ સરકારની આ નીતિથી ભારતીય જનતા પાર્ટી ચાવવાના અને બતાવવાના દાંત જુદાની કહેવત સાર્થક થતી હોય તેવું લાગી રહ્યું છે. સોશ્યલ મીડીયામાં ચાઇનાનો બહિષ્કાર કરવાનો કાગારોળ કરતા, આ પક્ષે ચાઇનાને કરોડો રૂપિયાનો ફાયદો કરી આપ્યો છે. જ્યારે આપણા દેશના જવાનો મોટી સંખ્યામાં ચીન સરહદે શહીદ  થયા છે ત્યારે, ગુજરાતમાંથી ઉસડેલા કરોડો રૂપિયાથી ચીન ફરીથી ગોળીઓ ખરીદશે અને આપણા સપૂતોને શહીદ કરશે તેવો આક્ષેપ કર્યો હતા.

વધુમાં શ્રી વસાવડાએ જણાવ્યું હતંુ કે, ગઇકાલે પ્રેસ કોન્ફરન્સમાં નીતીનભાઇ પટેલે, મશીન કયાંથી આવ્યા, કોણે ખરીદયા, આ બાબતે અજ્ઞાનતા દર્શાવી છે. 'હું કશુ જાણતો નથી' એવું નિવેદન આપ્યુ છે. ત્યારે મારો નીતીનભાઇને સીધો પ્રશ્ન છે કે, આપ જાણતા નથી, સરકાર કોણ ચલાવે છે? આત્મનિર્ભર અને મેક ઇન ઇન્ડીયાના નારા પોકારતા વડાપ્રધાન ચાઇનાના મશીનોની અને કેમીકલની ખરીદી માટે તાત્કાલીક ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી સામે પગલા ભરવા જોઇએ અને તેમને મંડળમાંથી દુર કરવા જોઇએ તેવી માંગ ડો. વસાવડાએ ઉઠાવી છે.

(2:45 pm IST)