રાજકોટ
News of Wednesday, 16th September 2020

ભરણ પોષણના કેસમાં જેલમાંથી પેરોલ જંપ કરનાર કેદી ધર્મેશ અનડકટ પકડાયો

પેરોલ ફરલોની ટીમે કેદીને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દબોચ્યો : ભરણ પોષણના ૧૨.૬૮ લાખ ચડત થઇ જતા ધર્મેશ પેરોલ રજા પર છૂટ્યા બાદ ભાગી ગયો'તો

રાજકોટ,તા. ૧૬: મધ્યસ્થ જેલમાં ભરણ પોષણના કેસમાં સજા ભોગવતો કેદી પેરોલ રજા પર છૂટ્યા બાદ ફરાર થઇ જતા તેને પેરોલ ફરલો સ્કર્વોડની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પકડી લીધો છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે ફરાર કેદીઓને પકડવા માટે સુચના આપતા પેરોલ ફરલો સ્કવોર્ડના પીએસઆઇ એમ.એસ.અંસારી તથા એ.એસ.આઇ ચંદ્રકાંતભાઇ, હરપાલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બાદલભાઇ દવે, હેડ કોન્સ. દિગ્વીજયસિંહ જાડેજા જાહીરભાઇ ખફી, ધીરેનભાઇ, મહંમદ અઝરૂદીનભાઇ બુખારી, ભુમીકાબેન ઠાકર, સોનાબેન મુળીયા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાદલભાઇ,ધીરેનભાઇ, મહિલા કોન્સ. ભુમીકાનબેનને મળેલી બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી કેદી ધર્મેશ મહેશભાઇ અનડકટ (રહે. મખેજી હાઉસ પંચનાથ મંદિર પાસે હાલ મુંબઇ)ને પકડી લીધો હતો. કેદી ધર્મેશ મહિલા અત્યાચારના ગુનામાં મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો. ફેમેલી કોર્ટમાં ભરણ પોષણની રકમ ૧૨,૬૮,૫૦૦ ચડત થઇ જતા તેથી તે પેરોલ રજા પર છૂટ્યા બાદ ત્રણ માસથી ફરાર હતો.

(2:41 pm IST)