રાજકોટ
News of Thursday, 17th September 2020

ક્રાઇમ બ્રાંચે આજીડેમ ચોકડી પાસેથી ખોડિયારપરાના શિવકુ ખાચરને તમંચા અને ૪ કાર્ટીસ સાથે પકડ્યો

પોતે હત્યાના ગુનામાં ફરિયાદી હોઇ અને હવે એક આરોપી જામીન પર છુટ્યો હોઇ તેના ભયને લીધે સ્વરક્ષણ માટે ચોટીલાના ખાટડીના ભરત ધાધલ પાસેથી લાવ્યાનું રટણઃ રિમાન્ડ મેળવવા તજવીજઃ ભરતની શોધખોળઃ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજાની ટીમના એએસઆઇ આર. ડી.ગોહિલ સહિતની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૭: ક્રાઇમ બ્રાંચની એક ટીમે ગઇકાલે પિસ્તોલ-કાર્ટી સાથે બે શખ્સને પકડ્યા બાદ અન્ય એક ટીમે આજીડેમ ચોકડીથી ભાવનગર જતાં હાઇવે પર પ્રેમદ્વારા ફાર્મ હાઉસ પાસેથી ખોડિયારપરા-૨૬ આજી વસાહતમાં રહેતાં રિક્ષાચાલક શિવકુ સાર્દુળભાઇ સોનારા (કાઠી) (ઉ.વ.૪૧)ને રૂ. ૧૦ હજારના દેશી બનાવટના તમંચા અને ચાર જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો છે.

આ શખ્સ પાસેથી પોલીસે જીજે૦૩એલએચ-૦૮૯૯ નંબરનું એકસેસ પણ કબ્જે કર્યુ છે. આ શખ્સે કબુલાત આપી હતી કે પોતે અગાઉ હત્યાના ગુનામાં ફરિયાદી હતો. હવે એક આરોપી જયરાજ ઉર્ફ કાળુ તેમાં જામીન પર છુટીને આવ્યો હોઇ તેના તરફથી પોતાને ભય હોવાથી મિત્ર ચોટીલાના ખાટડી ગામના ભરત સામતભાઇ ધાધલ પાસેથી તમંચો-કાર્ટીસ લાવ્યાનું રટણ કર્યુ હોઇ વધુ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી ભરતની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના મુજબ પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શનમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆ જયેશભાઇ નિમાવત, હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, અમીનભાઇ ભલુર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના એએસઆઇ આર. ડી. ગોહિલ, સ્નેહભાઇ ભાદરકા અને હિરેન્દ્રસિંહ પરમારને બાતમી મળતાં આ કામગીરી થઇ હતી.

(11:35 am IST)