રાજકોટ
News of Thursday, 17th September 2020

ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકારની યોજનાઓથી કૃષિ ક્ષેત્રે નવા આયોજનો ઉભા કરાયા : ધનસુખભાઇ ભંડેરી

રાજકોટ જીલ્લાના લોધીકામાં નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે રાજ્યપાલ અને મુખ્યમંત્રી હસ્તે સહાય યોજનાનો પ્રારંભ : લાખાભાઇ સાગઠિયાની ઉપસ્થિતિ

રાજકોટ તા.૧૭ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિને ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો શુભારંભ ગાંધીનગર ખાતેથી વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યુ હતું.

રાજકોટ જિલ્લાના લોધીકા ખાતે આ યોજનાના કાર્યક્રમમાં મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન  ધનસુખભાઈ ભન્ડેરીએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા રાજય સરકારે અનેક કલ્યાણકરી યોજનાઓ અમલી બનાવી છે. જેના થકી કૃષિ ક્ષેત્રે અનેક નવા આયામો ઉભા કરાયા છે.

ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, સાત પગલા ખેડૂતમાં માલ પરીવહન, ગોડાઉન બનાવવા માટે સહાય, પ્રાકૃતિક ખેતી સહાય- કીટ, વીજ સહાય, સિંચાઇ સહાય તેના ઉદાહરણ છે. તેમ ભંડેરીએ જણાવ્યું હતું.

ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ જણાવ ખેડુતો પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આર્થિક સમૃદ્ઘિ પ્રાપ્ત કરે તે માટે રાજય સરકાર પ્રયાસો કરી રહી છે.

પૂર્વ વાયસ ચાન્સલર મહેન્દ્ર પાડલિયાએ રાસાયણીક ખાતરથી થતાં નુકશાન અને સજીવ ખેતીના ફાયદાઓ વિશે જણાવ્યું હતું.

મહાનુભાવોના હસ્તે લોધિકામાં ૮ ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ સહાય(એક ગાય દીઠ રૂ.૯૦૦) અને ૬ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કીટ સહાયનું વિતરણ કરાયુ હતું. તેમજ બેસ્ટ આત્મા ફાર્મરના રાજય, જિલ્લા અને તાલુકાકક્ષાના એવોર્ડ વિજેતા ૧૨ ખેડૂતોનુ પણ રૂપિયા ૨,૦૫,૦૦૦ ના ચેક અર્પણ કરી સન્માન કરાયુ હતું. નાયબ ખેતી નિયામક આગઠે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી  અનિલ રાણસિયા, અગ્રણીશ્રી ભરતસિંહ,  મનસુખભાઇ સરધારા સહિતના મહાનુભાવો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

(3:27 pm IST)