સગાઇ થતાં પ્રેમસંબંધ તોડી નાંખતાં પૂર્વ પ્રેમી મુકેશ મકવાણા રોષે ભરાયોઃ યુવતિને માર મારી બળાત્કાર-ધમકી
રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર ભીમનગરમાં રહેતાં મુકેશ કાંતિભાઇ મકવાણા નામના શખ્સ વિરૂધ્ધ એક યુવતિએ યુનિવર્સિટી પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે આઇપીસી ૩૭૬, ૩૨૩, ૫૦૬ (૨), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.
યુવતિને અગાઉ આરોપી મુકેશ સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ હવે તેની સગાઇ થઇ જતાં તેણીએ પ્રેમ પુરો કરી નાંખતા મુકેશને આ વાત ન ગમતાં તે રોષે ભરાયો હતો અને ૧૭/૯ના રોજ સવારે યુવતિને આંતરી પોતાની સાથે સંબંધ નહિ રાખે તો પોતે ઝેરી દવા પી મરી જશે તેમ કહી તેણીને કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળના રૂમમાં લઇ જઇ હાથે પગે પાઇપથી માર મારી ઇજા કરી તેમજ બળજબરીથી શરીર સંબંધ બાંધી લઇ જો કોઇને જાણ કરી તો તેને અને તેના પરિવારને મારી નાંખશે તેવી ધમકી આપ્યાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે. મહિલા પી.આઇ. એસ.આર. પટેલ વધુ તપાસ કરે છે.