રાજકોટ
News of Tuesday, 20th October 2020

કોરોના કાળમાં પણ કુટુંબ કલ્યાણ કેન્દ્રની સેવા અવિરતઃ રાજકોટ જીલ્લામાં ૨૮૪ લેપ્રોસ્કોપિક સર્જરી

સિવિલના ગાયનેક વિભાગ સંલગ્ન કુટુંબ કલ્યાણ કેન્દ્રની સેવા સતત ચાલુઃ ડો. અતુલ જોષી

રાજકોટ ,તા. ૨૦: 'નાનું કુટુંબ સુખી કુટુંબ', સુરક્ષિત સગર્ભા માતા અને તંદુરસ્ત બાળની વિભાવના સાથે રાજય સરકારના કુટુંબ કલ્યાણ કેન્દ્ર દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય કક્ષાએ માર્ગદર્શન અને સારવાર નિઃશુલ્ક પુરી પાડવામાં આવી રહી છે.

કોરોના મહામારી સમયમાં પણ કુટુંબ નિયોજનના ૨૮૪ ઓપરેશન સાથે રાજકોટ સિવિલના ગાયનેક વિભાગ સલંગ્ન કુટુંબ કલ્યાણ કેન્દ્રની સેવા રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અવિરત પણે ચાલુ રાખવામાં આવી હોવાનું વિભાગના ડો. અતુલ જોશી જણાવે છે.

કુટુંબ કલ્યાણ કેન્દ્ર દ્વારા ખાસ કરીને કુટુંબ નિયોજન અંગે સલાહ, માર્ગદર્શન અને નસબંધીના ઓપરેશનની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત અનિચ્છનીય પ્રેગ્નનસી દૂર કરવા માટે નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવે છે.

ડો. અતુલના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કુટુંબ નિયોજન કરવા ઇચ્છુક મહિલાઓની જે તે તાલુકા કક્ષાએ સર્જરી કરી આપવામાં આવે છે. તેમને પ્રોત્સાહક ઇનામરુપે રૂ.૧૪૦૦ જેટલી રકમ આપવામાં આવે છે તેમજ તેમાં સહાયરૂપ આશા વર્કર અને સ્થાનિક આરોગ્ય કર્મચારીઓને પણ ઇનામ આપવામાં આવે છે. સગર્ભાને બાળક ન જોતું હોઈ તેવા કિસ્સામાં નિઃશુલ્ક ગર્ભપાત સર્જરી દ્વારા વસ્તી નિયંત્રણ અને સગર્ભા મૃત્યુદર ઘટાડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સ્તુત્ય કાર્ય કરવામાં આવી રહ્યાનું કર્મઠ ડો. જોશી જણાવે છે.સગર્ભા મહિલાઓને કેન્દ્ર ખાતે નિઃશુલ્ક સારવાર, દવા, માર્ગદર્શન તેમજ ડિલેવરી કરી આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જસદણ સહિતના તાલુકાઓમાં કેમ્પનું આયોજન કરવામાં આવે છે જયાં રાજકોટના આરોગ્ય વિભાગના કર્મચારીઓ સેવા પુરી પાડે છે.અત્રે ઉલ્લેખનીય છે કે,  રાજકોટ શહેરમાં સિવિલ ખાતે પ્રતિ માસ ૭૦૦ થી વધુ પ્રસુતિ તેમજ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ૩૦૦ થી વધુ પ્રસુતિ સહિત કુલ ૧૦૦૦ થી વધુ પ્રસુતિ નિઃશુલ્ક કરી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાજય સરકારનો આરોગ્ય વિભાગ કલ્યાણકારી કામ કરી રહ્યું છે.

(2:56 pm IST)