રાજકોટ
News of Saturday, 21st November 2020

સરકારે રાજકોટમાં કર્ફયુ નાખ્યો પણ એસ.ટી. બસોના આવન-જાવન અંગે કોઇ ''ગાઇડ લાઇન'' નહીં: કલેકટર-સીપી તંત્ર પણ મુંઝવણમાં

સૌરાષ્ટ્રમાંથી રાજકોટમાં રાત્રે ૯ પછી બસો આવે તો મુસાફરો-ડ્રાઇવર-કંડકટરનું શું ઘરે કેમ પહોંચશે... : ગાઇડ લાઇનની જોવાતી રાહઃ રાજકોટ એસ.ટી. અધીકારીઓએ હાલ વડોદરા-સુરતની બસો પણ હાલ ચાલુ રાખી... : એસ.ટી.ના અધિકારીઓ કહે છેઃ અમે પણ ગાઇડ લાઇનની રાહ જોઇએ છીએ હજુ સુધી કોઇ સૂચના નથીઃ સૂચના નહીં આવે તો સાંજ પછી બસો બંધ કરાશે હજારો મુસાફરો રઝળવાનો ભય : રાત્રે ૯ પછી રાજકોટ આવનાર સેંકડો મુસાફરોને કોઇ વાહન નહિં મળેઃ તંત્રે તાકિદે કોઇ નિર્ણય લેવાની ખાસ જરૂર

રાજકોટ તા. ર ૧: રાજય સરકારે ગઇકાલે રાત્રે ૯ થી સવારે ૬ સુધી કફર્યુ નાંખી દીધો. પરંતુ તેની ગંભીર અસર હજારો મુસાફરો ઉપર પડી હોવાનું એસ.ટી.ના અધીકારીઓ સાથે વાતચીત દરમિયાન બહાર આવ્યું છે.

વિગતો મુજબ રાજકોટમાં આજ રાતથી કફર્યુ શરૂ થઇ જશે, સરકારે એરપોર્ટ-પ્લેન અને ટ્રેનની ટિકીટ દેખાડવા વાળાને નહિં રોકાય તેમ જાહેર કર્યું પરંતુ એસ.ટી. બસો અંગે કોઇ વિગતો જાહેર કરી નથી.

રાજકોટથી રાત્રીના ૯ સુધીમાં ઉપડતી બસો સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય સેકટરોમાં જઇ શકશે, પરંતુ લાંબા રૂટની બસો જેમ કે ભાવનગર, પોરબંદર-કચ્છ-ભૂજ-દ્વારકા, વેરાવળ-સોમનાથ, બાવડા-બગોદરા, વિગેરે બસો રાત્રે ૯ બાદ રાજકોટ આજે તો તેનું શું તેમાં આવનાર મુસાફરો-ડ્રાઇવરો-કંડકટરો ઘરે કેમ પહોંચશે, કોઇ રીક્ષા કે વાહન પણ નહિં મળે, શું ચાલીને મુસાફર પોતાના ઘરે જાય તેવા વેધક સવાલો ઉઠયા છે, આજે કોઇ ગાઇડ લાઇન પણ નથી.

સરકારે કફર્યુની જાહેરાત કરી દીધી પણ ગાઇડ લાઇન આપી નથી, પરીણામે કલેકટર-પોલીસ કમિશ્નર તંત્ર પણ મુંઝવણમાં છે, તેઓ પણ ગાઇડ લાઇનની રાહ જોઇ રહ્યા છે, બંને અધીકારીઓએ ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવેલ કે મીટીંગ કરી, ગાઇડલાઇન બાદ નિર્ણય જાહેર કરાશે.

દરમિયાન એસ.ટી.ના અધીકારી સુત્રોએ જણાવેલ કે હાલ તો અમે વડોદરા-સુરતની બસો ચાલુ રાખી છે, રાજકોટથી સૌરાષ્ટ્ર-કચ્છમાં અન્યત્ર પણ બસો દોડી રહી છે, રાજકોટમાં આવી રહી છે, વડી કચેરીએ કોઇ ગાઇડ લાઇન આપી નથી, અમે નિર્ણયની રાહ જોઇ રહ્યા છીએ, ગાઇડ લાઇન આવશે તે પ્રમાણે કાર્યવાહી થશે, અન્યથા વડોદરા રાજકોટથી ૬ કલાક તો સુરત ૧૦ લકાક ગણીએ તો બપોર બાદ આ બંને રૂટની બસો બંધ કરી દેવાશે, હાલ તો હજારો મુસાફરોનો સવાલ છે.

(4:23 pm IST)