રાજીવનગરમાં વૃદ્ધા જુબેદાબેન જુણાચ સંચાલીત જુગારધામ પર દરોડોઃ ૪ ઝડપાયા
મકાન માલિક જુબેદાબેન, કંચનબેન, જેનુમબેન અને હસુબેનની ધરપકડઃ ચારેય સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઈ
રાજકોટ, તા. ૨૧ :. શહેરના રાજીવનગર મેઈન રોડ પર મકાનમાં વૃદ્ધા સંચાલીત ચાલતા જુગારધામ પર ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી જુગાર રમતી ચાર મહિલાને પકડી લઈ કાર્યવાહી કરાઈ હતી.
મળતી વિગત મુજબ ગાંધીગ્રામ રાજીવનગરમાં એક મહિલા પોતાના મકાનમાં જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. બ્રિજરાજસિંહ તથા વનરાજભાઈ સહિતે રાજીવનગર મેઈન રોડ શેરી નં. ૫માં રહેતા જુબેદાબેન કારૂભાઈ જુણાચના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા જુબેદાબેન જુણાચ તથા માધાપર ચોકડી પાસે વિનાયક વાટીકા સામે રહેતા કંચનબેન જીતેન્દ્રભાઈ જોષી, પોપટપરા શેરી નં. ૫ના જેનુમબેન ઈસુબભાઈ મોગલ અને ગાયત્રીધામ શેરી નં. ૩ના હસુબેન નરોતમભાઈ ગોકાણીને પકડી લઈ રૂ. ૧૨૫૨૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી તેમજ ચારેય મહિલાઓ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.