રાજકોટ
News of Thursday, 21st January 2021

ઔદ્યોગિક નિકાસ વધારીને ગુજરાતને નવી ઊંચાઈ પર લઈ જવું છે: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

અપેક્ષાઓથી અમે ડરતા નથી, સમસ્યાઓના ઉકેલ માટે સંવાદ કરીને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ પ્રસ્થાપિત કરીને ગુજરાતને આગળ લઈ જવું છે : મુખ્યમંત્રી:ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોના હકારાત્મક સૂચનોની નિયમિત સમીક્ષા થશે:રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ અને ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીનો સંવાદ

રાજકોટ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને રાજકોટ- ચેમ્બર્સના પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો અને વેપારી અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો.      
રાજકોટમાં ચેમ્બર ઓફ  કોમર્સ  એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ અને ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ઓદ્યોગિક નિકાસમાં ગુજરાતને નવી ઊંચાઈ પર લઈ જવું છે. ગુજરાત સરકાર નિકાસ વધે તે માટે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નિકાસને વધારવા માટે અનુકૂળ વાતાવરણ અને જરૂરી નીતિઓમાં ફેરફાર કરીને સરકાર વેપારીઓ અને નિકાસકારોને પૂરતી મોકળાશ આપી રહી છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વેપારીઓ મહાજનના જે કાંઈ હકારાત્મક સૂચનો અને રજૂઆતો છે તેનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને હજુ કોઈ પ્રશ્ન હશે તો સરકારનું મન ખુલ્લું છે. પ્રજાની કોઈ પ્રકારની માગણી ન હોય તો પણ સામે ચાલીને પ્રજાહિતના નિર્ણય લઈને લોકોની મુશ્કેલી દૂર કરી છે. સંવેદના, પારદર્શકતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના  આધાર પર અમારી સરકારે પ્રજાહિતના નિર્ણય લીધા છે.
ચેમ્બર ઓફ કોમર્સની દરખાસ્તો ના સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે અમે અપેક્ષાઓથી ડરતા  નથી. વાજબી અને જનહિતમાં અપેક્ષાઓ આકાંક્ષાઓ પરિપુર્ણ કરીશુ. રાજકીય કિન્નાખોરીમાં પણ માનતા નથી. અમારો એક જ મંત્ર છે, અને તે છે, ગુજરાતના વિકાસનો, એમ જણાવીને મેઇડ ઇન ગુજરાત થકી મેઇડ ઇન ઇન્ડીયા એમ આગળ વધીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નયા ભારતની સંકલ્પના સાકાર કરવી છે. આત્મ નિર્ભર ભારતમાં ગુજરાતને અગ્રેસર કરવું છે.  
  ગુજરાતના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરવા માટે લેવાયેલા નિર્ણયોને લીધે મળેલી સિદ્ધિઓ ના સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી આપનાર રાજ્ય છે. લોકડાઉન દરમિયાન સૌથી વધુ શ્રમજીવીઓની ટ્રેન ગુજરાતમાંથી ગઈ હતી તે દર્શાવે છે કે ગુજરાત  રોજગારી આપનારુ રાજ્ય છે. દેશની કુલ નિકાસ ના ૨૩ ટકા નિકાસ ગુજરાત કરે છે.  મુખ્યમંત્રીશ્રીએ વધુંમાં કહ્યું કે આ મહત્વની સિદ્ધિ છે પણ હજુ આપણે વિકાસની બાબતમાં આગળ વધવું  છે .એફડીઆઈમાં ગુજરાતમાં ૫૩ ટકા સિદ્ધિ છે.
 મુખ્યમંત્રી એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતના ખેડૂતોને વીજળી ના દરમાં એક પૈસાનો પણ વધારો કરવામાં આવ્યો નથી. ૨૫ વર્ષ પહેલાં જે યુનિટનો દર ૬૦ પૈસા હતો તે આજે પણ છે, ગુજરાતના ઉદ્યોગકારો વેપારીઓને ઉત્પાદન ખર્ચ ઘટે તે માટે સોલાર પોલિસી ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે. આ તકે મુખ્યમંત્રીએ સોલાર પોલીસીનો વધુ લાભ લેવા અને ગુજરાતને રીન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં અગ્રેસર કરવા આહવાન કર્યું હતું.
 મુખ્યમંત્રીએ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારના સુચનો રજુઆતો અંગે દર બે મહિને  સમીક્ષા થશે અને ઇન્ડસ્ટ્રીઝના સભ્યોને પણ કમીટીમાં સામેલ કરાશે તેમ જણાવી તેઓ પોતે પણ વર્ષમાં ત્રણેક વખત સમીક્ષા કરશે તેવી પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.
  આ તકે ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ નટુભાઇ પટેલ અને રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝના વધુ વિકાસ માટેના સુચનો દરખાસ્તો રજુ કરી હતી. આ તકે ચેમ્બર ઓફ  કોમર્સ  એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ અને ગુજરાત તથા ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને મોમેન્ટો આપી સત્કાર્યા હતા.
  આ પ્રસંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠીયા, અગ્રણી કમલેશભાઈ મીરાણી, નીતીનભાઇ ભારદ્વાજ, ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા, નૌતમભાઇ બારસીયા, પથિકભાઇ પટવારી, હેમંત શાહ વગેરે ઉપસ્થિત રહયા હતા.

(10:38 pm IST)