રાજકોટ
News of Monday, 21st September 2020

સોની બજારના વી. રસિકલાલ જ્વેલર્સ સાથે કારીગર પિન્ટુ વેડીયાની ૧૬ લાખની ઠગાઇ

દાગીના બનાવવાના બહાને ૩૭૫.૨૮૦ ગ્રામ સોનુ લઇ છનનનઃ પોલીસે શોધી કાઢવા ધોરાજી સુધી તપાસ લંબાવી પણ હાથમાં ન આવ્યો

રાજકોટ તા. ૨૧: સોની બજારના વી. રસિકલાલ જ્વેલર્સવાળા વેપારી સાથે બેડીનાકામાં રહેતો સોની શખ્સ દાગીના બનાવવાના બહાને વિશ્વાસ કેળવી રૂ. ૧૬ લાખનું સોનુ લઇ રફુચક્કર થઇ જતાં વેપારીએ પોલીસને લેખિત ફરિયાદ કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ શખ્સે પ્રારંભે દાગીના બનાવી આપી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં સોનુ લઇ જઇ ભાગી ગયો હતો.

આ બારામાં વી. રસિકલાલ જ્વેલર્સવાળા વેપારી એચ.આર.ધકાણએ પોલીસ કમિશનરશ્રી અને એ-ડિવીઝન પોલીસ ઇન્સ્પેકટરને લેખિત ફરિયાદ કરી આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધવા જણાવ્યું છે. તેમણે લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે સોની બજાર કોઠારીયા નાકા રોડ પર ગોલ્ડન માર્કેટમાં બીજા માળે બી-૯/૧૦માં અમે વી. રસિકલાલ જ્વેલર્સ નામે સોના ચાંદીનો વેપાર કરીએ છીએ.  સોની બજાર કૃષ્ણાશ્રય એપાર્ટમેન્ટ-૧૦૨, ખડકી ચોક બેડીનાકામાં રહેતાં પિન્ટુ પ્રકાશભાઇ વેડીયા પણ દાગીના ઘડવાનું કામ કરતો હોઇ તેણે અમારો સંપર્ક કર્યો હતો અને વિશ્વાસ-વચન આપેલા કે પોતે તાત્કાલીક જરૂરિયાત મુજબના દાગીના વાજબી ભાવે મજુરીથી ઘડી આપશે. પોતે રાજકોટમાં બીજી પેઢીનું કામ પણ કરતો હોવાનું તેણે કહ્યું હતું.

આથી તેના પર વિશ્વાસ રાખ્યો હતો અને અમારી પેઢીને દાગીનાના કારીગરની જરૂર પડતાં ૧૯/૮/૨૦ના રોજ પિન્ટુને ૨૦ કેરેટનું ૨૫૦ ગ્રામ સોનુ ઘડવા આપ્યું હતું. તેણે ૧૯૭-૨૨૦ ગ્રામ દાગીના ઘડીને પાછા આપ્યા હતાં. બાકીનું ૫૨-૭૮૦ ગ્રામ સોનુ જમા રાખ્યું હતું. અમે તેને બીજા સોના અંગે પુછતાં તેણે કહેલુ કે-ચિંતા ન કરો, બીજો માલ ઘડવાનો હશે ત્યારે હિસાબ કરી આપીશ. એ દરમિયાન ૨૧/૦૮ના રોજ અમે તેને ૨૨ કેરેટનું ૧૦૯-૧૭૦ ગ્રામ સોનુ દાગીના ઘડવા આપ્યું હતું. એ જ દિવસે ફરીથી ૧૮ કેરેટનું ૨૧૨-૩૩૩ ગ્રામ સોનુ આપ્યું હતું. આમ કુલ ૩૭૫-૨૮૦ ગ્રામ આપ્યું હતું. જેની અંદાજીત કિંમત રૂ. ૧૬,૦૬,૪૯૧ થાય છે.

બજારના નિયમ મુજબ સોનુ આપ્યા બાદ કારીગરો સાતેક દિવસની અંદર દાગીના ઘડીને આપી દેતાં હોય છે. પરંતુ અમે આઠ દિવસ રાહ જોયા પછી અમારા દાગીનાની ઉઘરાણી શરૂ કરતાં તેણે વાયદા પાડવાનું શરૂ કર્યુ હતું. બે-ચાર દિવસમાં આપી દઇશ તેમ પ્રારંભે કહ્યું હતું. પરંતુ બાદમાં દાગીના કે સોનુ પાછા આપ્યા નહોતાં. અમે તેની દૂકાને અને ઘરે તપાસ કરતાં તે કયાંય મળી આવેલ નથી. તેમજ તેનો ફોન પણ સતત બંધ આવતો હોઇ જેથી ના છુટકે હવે ફરિયાદ કરવી પડી છે. આ શખ્સે અમારી જેમ બીજા કેટલાક વેપારીઓ સાથે પણ આ રીતે સોનુ લઇ જઇ દાગીના બનાવી પરત નહિ આપ્યાનું જાણવા મળ્યું છે. આ શખ્સ સામે ઠગાઇનો ગુનો નોંધી કાર્યવાહી કરવા અમારી માંગણી છે. તેમ વી. રસિકલાલ જ્વેલર્સના એચ.આર ધકાણએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે.

એ-ડિવીઝન પીઆઇ સી. જે. જોષીની રાહબરીમાં પીએઅસાઇ ભટ્ટ, એએસઆઇ ભરતસિંહ ગોહિલ સહિતની ટીમે અરજીને આધારે તપાસ શરૂ કરી હતી. આ શખ્સના પિતા ધોરાજી રહેતાં હોઇ પોલીસ ત્યાં પણ પહોંચી હતી. પરંતુ તે હાથ આવ્યો ન હોઇ તપાસ યથાવત રાખવામાં આવી છે.  તસ્વીરમાં દેખાતો પિન્ટુ કોઇને જોવા મળે તો પોલીસને જાણ કરવા જણાવાયું છે. પિન્ટુની તસ્વીર લેખિત ફરિયાદ સાથે અરજદારે જોડી હતી.

(11:42 am IST)