રાજકોટ
News of Wednesday, 21st October 2020

નવરાત્રીની ધૂમઃ રાજકોટમાં રોજના ૩પ૦થી વધુ દસ્તાવેજો

શહેરના તમામ આઠેય ઝોનમાં ૪૦-૪૦ ના સ્લોટ ફુલઃ તમામ કામગીરી ઓનલાઇનઃ દિવાળી સુધી હજુ વધશેઃ રાજકોટમાં સર્વર ચાલુઃ પણ ગોંડલ-કોટડા-લોધીકામાં ર દિ'થી ઠપ્પઃ લોકોને ધક્કાઃ દેકારોઃ કલેકટરને ફરિયાદો...

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ શહેર - જીલ્લામાં નવરાત્રી અને આવી રહેલ દિપાવલી તહેવારો અંગે ઉત્સાહનો સંચાર શરૂ થયો છે.

આમાં જમીન-મકાન-પ્લોટના દસ્તાવેજોનો પણ ઉત્સાહ પાછળ રહ્યો નથી.

આ અંગે સબ રજીસ્ટ્રાર કચેરીના મુખ્ય નોંધણી નિરીક્ષક શ્રી સવાણીએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં હાલ સર્વર બરોબર કામ કરે છે, થોડુ ધીમુ છે, પરંતુ વાંધો આવતો નથી.

તેમણે જણાવેલ કે હાલ જમીન-મકાન - પ્લોટના દસ્તાવેજોમાં કોરોના કાળ  -લોકડાઉન પીરીયડ બાદ તેજી આવી છે, અને સ્ટાફ પણ સવારથી મોડી સાંજ સુધી સતત સફળતાપૂર્વક કામગીરી કરી રહ્યો છે.

તેમણે જણાવેલ કે, રાજકોટ ઝોન-૧ સહિત તમામ આઠેય ઝોનમાં હાલ રોજના એક ઝોન દીઠ ૪૦ સહિત કુલ ૩પ૦ કે તેથી વધુ દસ્તાવેજોની નોંધણી થઇ રહી છે, નવરાત્રી તહેવારને કારણે તમામ સ્લોટ હાલ ફુલ છે, અને સંભવત દિવાળી સુધી આવુ કે તેથી વધુ દસ્તાવેજો થશે, તમામ કામગીરી ઓનલાઇન થઇ રહ્યાનું તેમણે ઉમેર્યુ હતું.

દરમિયાન કોટડાસાંગાણી-લોધીકા અને ગોંડલ ઝોનમાં સર્વર ઠપ્પ થતા બે દિ' દસ્તાવેજો નહિ થતા અરજદારો  વકિલોને ભારે ધકકા થયા હતા, દેકારો બોલી ગયો હતો, લોકોએ કલેકટર સુધી ફરીયાદો કરી હતી.

આ બાબતે નોંધણી નિરીક્ષક શ્રી સવાણીએ 'અકિલા' ને જણાવેલ કે બે દિ' થી ત્યાં સર્વરનો પ્રોબ્લેમ છે, બીએસએનએલનો કેબલનો વાયર કપાઇ જતા આમ બન્યું છે, પરંતુ આજથી બધુ સરખુ થઇ જશે.

(11:09 am IST)