રાજકોટ
News of Saturday, 21st November 2020

પાન બીડીના લેણા નીકળતાં પૈસાની ઉઘરાણી કરતાં કનૈયા ડિલકસ પાનવાળા મેરૂને પતાવી દેવાનો પ્રયાસ

જય જવાન જય કિસાન સોસાયટીમાં બનાવઃ લાલપરીનો પિન્ટૂ મકવાણા છરીના ઘા ઝીંકી ભાગી ગયોઃ મેરૂની હાલત ગંભીર : બે મિત્રો યશ અને વિપુલની નજર સામે જ બનાવ

રાજકોટ તા. ૨૧: મોરબી રોડ જય જવાન જય કિસાન સોસાયટી પાસે શિવમ્ પાર્કમાં રહેતાં અને ઘર નજીક પાનની દુકાન ધરાવતાં યુવાને લાલપરીના  શખ્સ પાસેથી પાન-બીડીના પોતાના લેણા નીકળતાં પૈસાની ઉઘરાણી કરતાં આ શખ્સે ઉશ્કેરાઇ જઇ પેટ-છાતી-હાથમાં છરીના આડેધડ ઘા મારી હત્યાનો પ્રયાસ કરતાં યુવાન ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

બી-ડિવીઝન પોલીસે આ બનાવમાં મોરબી રોડ જકાતનાકા પાસે અર્જુન પાર્ક નજીક શિવમ્ પાર્ક-૨માં રહેતાં હેમત માધાભાઇ શિયાળ  ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી લાલપરી પાસે શિવાજી પાર્કમાં રહેતાં પિન્ટૂ ધીરૂભાઇ મકવાણા સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.

હેમતે ફરિયાદમાં જણાવ્યું છે કે અમે ત્રણ ભાઇઓ છીએ. હું આરએમસીમાં કોન્ટ્રાકટ બેઝ પર પોઇન્ટ નોકરી કરુ છું. મારા પિતા પણ આરએમસીમાં નોકરી કરે છે. માતાનું નામ જસીબેન છે અને મારાથી નાના ભાઇનું નામ ગોપાલ છે, એનાથી નાનો મેરૂ (ઉ.વ.૨૦) છે. મેરૂ જય જવાન જય કિસાન મેઇન રોડ પંચરત્ન સોસાયટી-૩ના ખુણે કનૈયા ડિલકસ પાન નામે દૂકાન ચલાવી વેપાર કરે છે.

શુક્રવારે સાંજે સાતેક વાગ્યે હું સંત કબીર રોડ પર નાના ભાઇ ગોપાલની કનૈયા ડિલકસ પાન નામની દૂકાને હતો ત્યારે મિત્ર વિપુલ ઝીંઝુવાડીયાએ ફોન કરી જાણ કરી હતી કે હું તથા તમારો ભાઇ મેરૂ અને યશ નાથાભાઇ રંગાણી ત્રણેય મેરૂની દૂકાને બેઠા હતાં ત્યારે લાલપરી શિવાજી પાર્કના પિન્ટૂ મકવાણાએ અચાનક દૂકાને આવી મેરૂને છરીના ત્રણેક ઘા પેટ-છાતીમાં મારી દીધા છે, અને તેને ગોકુલ હોસ્પિટલે લઇ જઇ છીએ, તમે જલ્દી આવો...આ વાત વિપુલે કરતાં હું તુરત જ હોસ્પિટલે પહોંચ્યો હતો. મેરૂને ગળા નીચે છાતી વચ્ચેના ભાગે, પેટમાં તથા હાથમાં ઇજાઓ હતી. તે લોહીલુહાણ હતો.

વિપુલ અને યશને બનાવ અંગે પુછતાં તેણે કહ્યું હતું કે મેરૂ થડા પર બેઠો હતો ત્યારે પિન્ટૂ મકવાણા બાઇક લઇને આવ્યો હતો અને ગાળો દઇ છરી કાઢી મેરૂને ઘા ઝીંકી દીધા હતાં. અમે તેને બચાવવા વચ્ચે પડતાં અમને ધક્કો મારી પછાડી દીધા હતાં. એ પછી મેરૂ બાઇક લઇને ભાગી ગયો હતો. મેરૂને બાદમાં અમે ગોકુલમાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ઝઘડાનું કારણ એ છે કે મારા ભાઇ મેરૂની દૂકાનેથી પિન્ટૂ મકવાણા ઉધારમાં પાન-બીડી-ફાકી લઇ જતો હતો. તેના પૈસાની મારા ભાઇ મેરૂએ ઉઘરાણી કરતાં પિન્ટૂને ગમ્યું નહોતું અને ઝઘડો કર્યો હતો.  શુક્રવારે સાંજે તે આ બાબતનો ખાર રાખીને આવ્યો હતો અને મારું કેમ નામ લીધું? કહી ગાળો દઇ ધમકી દઇ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરી ભાગી ગયો હતો. તેમ વધુમાં હેમત શિયાળે ફરિયાદમાં જણાવતાં પીઆઇ એમ. બી. ઓૈસુરા, રશ્મીનભાઇ પટેલ, મહેશભાઇ રૂદાલતા, હિતેષભાઇ જોગડા, હિતેષભાઇ કોઠીવાર સહિતે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. મેરૂ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

(12:55 pm IST)