રાજકોટ
News of Friday, 22nd January 2021

ચુનારાવાડ વિસ્તારમાં પિતાની છરીના ઘા મારીને હત્યાના ગુનામાં પકડાયેલ પુત્રની જામીન અરજી રદ

રાજકોટ, તા. રર :  અહીંના ચુનારાવાડ ચોક પાસે આવેલ શિવાજીનગર શેરી નં. ર૧માં રહેતા રાજુભાઇ ઉકાભાઇ મકવાણાની છરીના ઘા મારીને હત્યા કરવા અંગે પકડાયેલ મરનારનો પુત્ર રોહિત રાજુભાઇ મકવાણાએ ચાર્જશીટ બાદ જામીન પર છુટવા કરેલ અરજીને મુખ્ય સેસન્સ જજશ્રી ઉત્કર્ષ દેસાઇએ રદ કરી હતી.

આ બનાવ અંગે મરનારના પત્નિ અને આરોપીની માતા ગીતાબેન રાજુભાઇ મકવાણાએ પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરીનેે જેલહવાલે કરતા આરોપીએ ચાર્જશીટ બાદ જામીનપર છુટવા અરજી કરી હતી.

મરનારે તેની પત્નિ પાસે સોનાના બુટીયા માંગેલ જે આપવાની ના પાડતાં તેમજ ફરીયાદીના જેઠ પાસે રહેલ યુટીલીટી ગાડી આપવાની ના પાડતા ઘરમાં ઝઘડો થતાં મરનાર પ્રથમ છરી લઇને ફરીયાદી પત્નિને મારવા ગયેલ પરંતુ આરોપી પુત્રએ છરી આંચરી લઇને પિતાની હત્યા કરી હતી.

આ કામે સરકારપક્ષે એ.પી.પી. પરાગ શાહે રજુઆત કરેલ કે, બનાવને નજરે જોનાર ૮ સાક્ષીઓ છે. આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય કેસ છે. બચાવ પક્ષે સેલ્ફ ડીફેન્સનો બનાવ કહે છે. પરંતુ આરોપીએ જે રીતે છરીના ઉપરાછાપરી ઘા મારેલ હોય બનાવ સેલ્ફ ડીફેન્સનો ન હોય આરોપી વિરૂધ્ધ ખુનનો પ્રથમ દર્શનીય ગુન્હો જણાતો હોય આરોપીની જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને સેસન્સ કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરી હતી આ કામમાંૈ સરકારપક્ષે એ.પી.પી. પરાગ એન. શાહ રોકાયા હતા.

(2:51 pm IST)