રાજકોટ
News of Friday, 22nd January 2021

રૈયા સ્માર્ટ સિટી વિસ્તારના ફલેટના ફોર્મ પરતના છેલ્લા દિવસે ધસારો

અ..ધ..ધ..ધ ૨૨ હજાર ફોર્મ ઉપડયાઃ ૧૧૪૪ આવાસ માટે બપોર સુધીમાં ૬ હજારથી વધુ ફોર્મ પરત આવ્યા : મુદ્દત વધશે? અરજદારોમાં ચર્ચા

રાજકોટ,તા. ૨૨: કોર્પોરેશન દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં પરશુરામ મંદિર પાસે તળાવના કાંઠે લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત નવી ટેકનોલોજી સાથે બની રહેલા  ૨ બીએચકે ફલેટ માટે ગત ૭મી જાન્યુઆરીથી ફોર્મ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. આજ સુધીમાં ૨૨ હજારથી પણ વધુ ફોર્મ ઉપડી ગયા છે.જયારે આજ બપોર સુધીમાં ૬ હજાર જેટલા ફોર્મ પરત આવ્યા છે. આજે ફોર્મ સ્વિકારવાનો છેલ્લો દિવસ હોય તો મ.ન.પા.નાં સિવિક સેન્ટર અને આઇ.સી.આઇ.સી.આઇ બેંક ખાતે અરજદારોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ ફોર્મ પરતની મુદ્દતમાં વધારો થશે કે કેમ તેવી અરજદારોમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. મુદ્દત વધે તેવી આશા સેવાઇ રહી છે.

કોર્પોરેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત શહેરના રૈયા સ્માર્ટ સીટી વિસ્તારમાં નિર્માણ પામનાર ૧૧૪૪ આવાસોનું ઇ- ખાતમુહૂર્ત ગત ૧લી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.ગત ૭મી જાન્યુઆરીથી કોર્પોરેશનના તમામ છ સિવિક સેન્ટર અને આઇસીઆઇસીઆઇ બેન્કની રાજકોટ શહેરમાં આવેલી તમામ શાખાઓ મારફત ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આજ સુધીમાં ૧૧૪૪ આવાસ સામે ૨૨,૦૦૦થી પણ વધુ ફોર્મ ઉપડી ગયા છે.જયારે બપોર સુધીમાં ૬ થી વધુ ફોર્મ ભરાઇને પરત આવ્યા છે. આજ સાંજ સુધીમાં વધુ બે હજાર ફોર્મ જમા થઇ શકે તેવી આશા મ.ન.પા.ની આવાસ યોજનાનાં અધિકારીઓ સેવી રહ્યા છે.

નવી ટેકનોલોજી થકી બનનારી આ આવાસ યોજનામાં વાર્ષિક રૂપિયા ત્રણ લાખની આવક ધરાવતા પરિવારને બે રૂમ,હોલ, રસોડું,સંડાસ અને બાથરૂમની સુવિધા ધરાવતું આવાસ માત્ર રૂ. ૩.૪૦ લાખમાં આપવામાં આવશે. જેમાં રસોડામાં પ્લેટફોર્મ નીચે કેબીનેટ તથા બેડ રૂમમાં કબાટ જેવું થોડુંક ફર્નિચર પણ આપવામાં આવશે મહાપાલિકાની આ પ્રથમ અને અંતિમ એવી આવાસ યોજના છે કે જેમાં લાભાર્થીને ફ્લેટ સાથે ફર્નિચરની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

(2:54 pm IST)