રાજકોટ
News of Saturday, 23rd January 2021

ફોનમાં મોટેથી વાત કરવાની ના પાડી દુષ્યંતને પાડોશી મયુરસિંહ પરમારે છરી ઝીંકી દીધી

મવડીની અલ્કા સોસાયટીમાં બનાવ : મયુરસિંહ સામે ગુનો

રાજકોટ,તા.૨૩ : મવડીના અલ્કા સોસાયટીમાં ભાડે રહેતો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનને ફોનમાં મોટેથી વાત કરવાની ના પાડી બાજુના રૂમમાં રહેતા શખ્સે છરીનો ઘા ઝીંકી દેતા ફરિયાદ થઇ છે. મળતી માહિતી વિગત મુજબ ધોરાજીનો વતની હાલમાં રાજકોટ મવડી અલ્કા સોસાયટીમાં ભાડે રહેતો દુષ્યંત રાજેશભાઇ રાદડીયા (ઉવ.૩૧) સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. ગઇ કાલે પોતે  પોતાના રૂમાં હતો અને પોતાના પરિવારજનો સાથે મોબાઇલફોનમાં વાત કરતો હતો ત્યારે પોતાના પાછળ રૂમમાં રહેતા મયુરસિંહ અમરસિંહ પરમાર આવેલ અને 'ફોનમાં ધીમે-ધીમે વાત કરે' તેમ કહેતા પોતે કંઇ વાંધો નહી તેમ કહેતા મયુરસિંહે ઉશ્કેરાઇ જઇ ગાળો આપવા લાગતા  પોતે ગાળો આપવાની ના પાડતા પોતાને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. જેથી પોતે તેને કહેલ કે 'મારો શું વાંક છે. તે મને મારો છો' તેમ કહેતા મયુરસિંહે કહેલ કે 'તુ મને ઓળખતો નથી' તેમ કહી તેણે નેફામાંથી છરી કાઢી દુષ્યંતના પેટના ડાબી બાજુ ઝીંકી દીધી હતી. દુષ્યંતને દુઃખાવો થવા લાગતા તેણે છરી પકડી રાખી રાડારાડ કરતા આસપાસના લોકો એકઠા થઇ જતા મયુરસિંહ ભાગી ગયો હતો. બાદ દુષ્યંતને ૧૦૮ મારફતે સારવાર માટે પેટમાં છરી ઘુસેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ માલવીયા નગર પોલીસ મથકના એ.એસ.આઇ. ગીતાબેન પંડ્યાએ દુષ્યંત રાદડીયાની ફરીયાદ પરથી મયુરસિંહ અમરસિંહ પરમાર (રહે અલ્કા સોસાયટી)ની શોધખોળ હાથ ધરી છે.

(3:26 pm IST)