ઘંટેશ્વરના કલ્પેશ મારવાડીને પડધરી ટોલનાકા પાસે ધોકાવાયો
રિક્ષાના ટાયરમાં પંચર સંધાવ્યા બાદ કારમાં મુકવા આવેલા શખ્સોએ ધોલધપાટ કર્યાનો આક્ષેપ
રાજકોટ તા. ૨૩: જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં અને ફોટોફ્રેમનો તથા નકશાઓનો ધંધો કરતાં કલ્પેશ સુરેશભાઇ ડબગર (મારવાડી) (ઉ.વ.૨૨) નામના યુવાનને ૨૧/૯ના રાતે પડધરી ટોલનાકા નજીક અજાણ્યા શખ્સોએ પાઇપ-ધોકાથી માર મારતાં હવે દુઃખાવો થતાં સારવાર માટે દાખલ થયો છે.
કલ્પેશના પિતાના કહેવા મુજબ તે રિક્ષામાં ફોટોફ્રેમ ભરીને પડધરી તરફ ધંધો કરવા ગયો હતો. ત્યારે રિક્ષામાં પંચર પડતાં ટાયર કાઢી નજીકની હોટલે પંચર સંધાવવા ગયો હતો. ત્યાંથી કોઇ દેહાભાઇ નામના શખ્સે રિક્ષા સુધી મુકી જવા કારમાં લિફટ આપી હતી અને બાદમાં રિક્ષા જ્યાં હતી ત્યાં ઉભી રાખવાને બદલે કાર આગળ લઇ જતાં કલ્પેશે દેકારો મચાવ્યો હતો અને કાર ઉભી રહેતાં કાચ તોડીને ભાગતાં તેને પકડી લઇ ધોલધપાટ કરવામાં આવી હતી. પડધરી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.