રાજકોટ
News of Friday, 23rd October 2020

પીડીયુના લેબ ટેકનીશિયન જસ્મીન જોષી કહે છે-પ્લાઝમા ડોનેટથી કોઇ નુકસાન નથી થતું

કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા પછી હવે કરશે પ્લાઝમા ડોનેટ

રાજકોટ : રાજકોટ પીડીયુ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને અદ્યતન સારવાર આપવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર તેમજ રાજય સરકારના માર્ગદર્શન હેઠળ કોરોનાના રોગચાળાને કાબુમાં લેવા માટે સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કેસોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. છતાં પણ કોરોના સંક્રમિત દર્દીની પરિસ્થિતિ ગંભીર થાય ત્યારે પ્લાઝમા ડોનેટથી તેમની રિકવરીના ચાન્સ વધી જતાં હોય છે. રાજકોટ જિલ્લામાં કોરોનાના સંક્રમણ માંથી સાજા થયેલા દર્દીઓ બીજા દરદીઓની જિંદગી બચાવી શકાય તે માટે પ્લાઝમા ડોનેટ કરે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.

રાજકોટ પીડીયુ હોસ્પિટલમા લેબોરેટરી ટેકનીશીયન તરીકે કામ કરતાં શ્રી જસ્મીનભાઈ જોશીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ૨૦ દિવસ પહેલા તેમની ફરજ કોવીડ હોસ્પિટલમાં હતી તે દરમિયાન દર્દીઓની તપાસ ની કામગીરી વખતે તેમને સંક્રમણ લાગી ગયું હતું અને કોઈપણ પ્રકારના ખાસ લક્ષણો હતા નહીં અને આ બાબતે તપાસ કરતાં તેમનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.૧૪ દિવસ કવોરેન્ટાઈન રહ્યા બાદ તે સ્વસ્થ થતાં ફરી સેવામાં લાગી ગયા છે .તેમણે જણાવ્યું હતું કે પ્લાઝમા ડોનેટ કરવાથી એક વ્યકિત દ્વારા બે વ્યકિતઓ ની જીંદગી બચાવી શકાય છે. પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી . વ્યકિત કોરોના થી સંક્રમિત થાય અને સાજા થાય પછી અમુક દિવસો પછી શરીરમાં એન્ટીબોડી બને છે. તેમના શરીરમાં એન્ટીબોડી બન્યા પછી તેઓ પણ પ્લાઝમા ડોનેટ કરશે તેમ જણાવ્યું હતું.

(1:19 pm IST)