રાજકોટ
News of Friday, 23rd October 2020

ઓનલાઇન સ્ટડી કરતાં કરતાં ૨૦ વર્ષના શ્યામે કોરોનાને હરાવ્યો

રાજકોટ : સંકટ સમયે સમજદારીભર્યો નિર્ણય માનવીને અનેક મુશ્કેલીઓથી સલામત રાખે છે. આવો જ સમજદારીભર્યો નિર્ણય લીધો છે રાજકોટના શિવમપાર્કમાં રહેતા ગઢિયા પરિવારના સદસ્યોએ. તાવ, શરદી અને ઉધરસના લક્ષણ જણતા ૨૦ વર્ષીય શ્યામ તેના માતા અને બા એ કોરોનાનો એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓએ પરિવારના અન્ય સદસ્યોનું સ્વાસ્થ્ય ન જોખમાય તે માટે સમરસ કોવીડ કેર સેન્ટરમાં સારવાર લેવાનો નિર્ણય લીધો.

સમરસ કોવીડ કેર સેન્ટરમાં દાખલ થયાં બાદ ત્યાં મળેલી સારવાર અને તેમણે પસાર કરેલા સમય વિશે વાતચીત કરતાં શ્યામે જણાવ્યું હતું કે,  'તબીબો દ્વારા દરેક વયના લોકોનું ખુબ સારી રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મારા બાની ઉંમર ૬૯ વર્ષ છે. અમે લોકો તેમના સ્વાસ્થ્ય માટે ચિંતિત હતા. પણ આરોગ્ય કર્મીઓએ અમારી એ ચિંતા પણ દૂર કરી દીધી હતી. કોરોનાને હરાવવા મનની શકિત સાથે તનની શકિત પણ સારી હોવી જરૂરી છે. જેને ધ્યાન લઈ અમને ત્રણ ટાઈમ ઉકાળો, ગરમ દૂધ અને પૌષ્ટીક આહાર આપવામાં આવતો હતો. સાથો સાથ ડોકટર્સ સમયાંતરે તબિયતની ચકાસણી અને પૃચ્છા કરીને અમારું મન પણ હળવું કરતાં હતાં.'

કોરોનાથી તન અને મન નબળું ન થાય તે માટે સારવારના સમયને સાર્થક કરવા માટે હું ઓનલાઈન સ્ટડી કરતો. ફોરેંઈન લેંગ્વેજ શિખતો. તેમજ ઓનલાઈન કોર્સિસ એટેન્ડ કરીને મારા જ્ઞાનમાં વધારો કરતો. આજે સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યો છું. મારા મમ્મી તેમજ બાનું સ્વાસ્થ્ય પણ સારું છે તેમ શ્યામ ગઢિયાએ જણાવ્યું હતું.

(1:21 pm IST)