રાજકોટ
News of Monday, 23rd November 2020

યહાં પે સબ શાંતિ-શાંતિ હૈ...કર્ફયુનો અમલ કરાવવા પોલીસ મેદાને

શહેરમાં પ્રવેશતા તમામ મુખ્ય માર્ગોની ચેકપોસ્ટ પર કડક ચેકીંગઃ તમામ માર્ગો-વિસ્તારોમાં પણ પોલીસનું પેટ્રોલીંગઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ જાતે પેટ્રોલીંગમાં નીકળ્યા : શહેરીજનોને કોરોના ન વળગે એ માટે પોલીસ ઉજાગરા કરે છે, લોકો પણ સમજે, સહકાર આપે

રાજકોટઃ કોરોના મહામારીએ બીજા તબક્કામાં માથુ ઉંચકતા દિવાળી-નવા વર્ષના તહેવાર પછી પોઝિટિવ કેસમાં ઉછાળો આવ્યો છે. સંક્રમણને આગળ વધતું અટકાવવા રાજ્ય સરકારે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં શનિવારથી રાત્રી કર્ફયુ અમલી બનાવ્યો છે. આ માટે દરેક શહેરની પોલીસને કર્ફયુનો કડક અમલ કરાવવા અને માસ્કના કાયદાનો પણ આકરો અમલ કરાવવા સુચના આપવામાં આવી હોઇ તે અંતર્ગત શનિવાર રાતથી જ રાજકોટ શહેર પોલીસ એકશનમાં આવી ગઇ છે. ગઇકાલે રાતે પણ કર્ફયુનું કડક પાલન કરાવવા ખુદ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજા, એસીપી શ્રી જે. એસ. ગેડમ તથા તમામ એસીપીશ્રીઓ, પોલીસ ઇન્સ્પેકટરશ્રીઓ અને તેમની ટીમોએ શહેરના મુખ્ય માર્ગો તેમજ અલગ-અલગ વિસ્તારો અને શહેરમાં પ્રવેશતા માર્ગોની ચેકપોસ્ટ પર ખાસ ચેકીંગ કર્યુ હતું. બે દિવસમાં કર્ફયુ ભંગના અને જાહેરનામા ભંગના સોથી વધુ ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રથમ તસ્વીરમાં કેકેવી ચોકમાં પોલીસ કમિશનરશ્રી અગ્રવાલ સાથે ડીસીપી શ્રી જાડેજા, એસીપી શ્રી ગેડમ તથા કર્ફયુ સમયે ટુવ્હીલર લઇને નીકળેલા એક વ્યકિતને અટકાવી રહેલા જવાન જોઇ શકાય છે. અન્ય તસ્વીરોમાં ત્રિકોણબાગ ઢેબર રોડ બીઆરટીએસ રૂટના માર્ગો 'યહાં પે સબ શાંતિ શાંતિ હૈ...' ગીતની યાદ અપાવતાં નજરે પડે છે. નીચેની તસ્વીરોમાં પોલીસે વાહન ચેકીંગ વખતે કારમાંથી કાળી ફિલ્મો પણ ઉતારવાની કાર્યવાહી કરી હતી તે તથા ટુવ્હીલર પર નીકળેલા લોકો ખરેખર ઇમર્જન્સીમાં નીકળ્યા છે કે કેમ? તેની પાસે કર્ફયુમાં બહાર નીકળવા માટે મંજુરી છે કે કેમ? તેનું ચેકીંગ કરતી પોલીસની ટીમો જોઇ શકાય છે. નોંધનીય છે કે શહેરીજનો કોરોનાથી સંક્રમિત ન થાય એ માટે પોલીસ ઉજાગરા કરી રહી છે, ત્યારે લોકોની પણ ફરજ છે કે તેઓ રાત્રે બહાર ન નીકળે અને દિવસે નીકળે ત્યારે ફરજીયાત માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરી પોલીસને સહકાર આપે. (ફોટોઃ સંદિપ બગરથરીયા)
 

(12:50 pm IST)