રાજકોટ
News of Tuesday, 24th November 2020

કર્ફયુની ત્રીજી રાતે જાહેરનામા ભંગના ૧૬૧ અને સોશિયલ ડિસ્ટન્સના ૪૭ કેસઃ ત્રણ દિમાં ૫૪૧ કેસ

કર્ફયુ ડ્યુટીમાં રહેલા અધિકારીઓ, કર્મચારીઓ, એસઆરપી, ટીઆરબી, હોમગાર્ડ માટે ચા-નાસ્તાની પણ વ્યવસ્થા : ૭૦ વાહન કબ્જે કરાયાઃ ૨૧થી ૨૩માં જાહેરનામાના ૩૪૯, સોશિયલ ડિસ્ટન્સના ૧૯૨ કેસ થયાઃ ત્રણ દિ'માં ૨૩૪ વાહનો ડિટેઇન : કર્ફયુના સમયમાં મદદની જરૂર હોય તો પોલીસના વ્હોટ્સએપ નં. ૮૩૨૦૯ ૬૫૬૦૬ ઉપર સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૪: કોરોના મહામારીને અટકાવવા સરકારની માર્ગદર્શિકા મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ દ્વારા કર્ફયુ અંગેનું જાહેરનામુ બહાર પડાયું છે. ખુદ તેઓ પણ રાત્રે આ કાયદાનું પાલન યોગ્ય રીતે થાય તે માટે ચેકીંગમાં નીકળે છે. પોલીસે આદેશ કર્યો છે કે રાત્રે નવથી સવારના છ સુધી કર્ફયુના સમયગાળામાં કોઇએ બહાર નીકળવું નહિ, શેરીઓ ગલીઓમાં કે ઘરના ઓટલાઓ ઉપર પણ બેસવું નહિ. રસ્તાઓ પર કારણ વગર રખડવું નહિ કે પગપાળા નીકળવું નહિ. વાહનો લઇને પણ નીકળવું નહિ. અન્યથા કાયદેસરની કાર્યવાહી થશે. ત્રણ દિવસમાં પોલીસે જાહેરનામા ભંગ, સોશિયલ ડિસ્ટન્સ ભંગના ટોટલ ૫૪૧ કેસ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ દિવસમાં ૨૩૪ વાહનો ડિટેઇન કરાયા છે.

તા. ૨૧/૧૧ના રોજ જાહેરનામાના ૭૪, ૨૨ના ૧૧૪ અને ૨૩મીએ ૧૬૧ કેસ કરવામાં આવ્યા હતાં. એ જ રીતે સોશિયલ ડિસ્ટન્સના ૨૧મીએ ૫૪, ૨૨મીએ ૯૧ તથા ૨૩મીએ ૪૭ કેસ થયા હતાં. જ્યારે ૨૧મીએ ૭૨ વાહન, ૨૨મીએ ૯૨ વાહન અને ૨૩મીએ ૭૦ વાહનોનું ચેકીંગ અને ડિટેઇનની કાર્યવાહી થઇ હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા તમામ ઉચ્ચ અધિકારીઓ રાત્રી કર્ફયુમાં પેટ્રોલીંગ કરી પોઇન્ટ ચેક કરે છે. તેમજ જરૂર જણાય ત્યાં માનવતાનો અભિગમ પણ અપનાવે છે. કર્ફ્યુ ડ્યુટીમાં સામેલ તમામ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં સેફ રાજકોટ એપ્લીકેશન ૧૭૭૯૫ લોકોને ડાઉનલોડ કરાવાઇ છે. તેમજ ૧૯૫૦૭ લોકોનું કોન્ટેકટ ટ્રેસીંગ કરાયું છે. ડ્રોન કેમેરા દ્વરા ૧૫૪૨ કેસ થયા છે. શહેરમાં રાત્રી કર્ફયુ દરમિયાન જો કોઇ લોકોને મદદની જરૂર હોય તો પોલીસના વ્હોટ્સએપ નં. ૮૩૨૦૯ ૬૫૬૦૬ ઉપર સંપર્ક કરી શકાશે. લોકોને માર્ગદર્શિકાનું પાલન કરવા વધુ એક વખત પોલીસ કમિશનરે અનુરોધ કર્યો છે. (૧૪.૧૨)

(3:10 pm IST)