રાજકોટ
News of Friday, 25th September 2020

પેવિંગ બ્લોક કોન્ટ્રાકટોમાં અર્ધા કરોડનો કડદો ખુલ્લો પાડતા ઉદય કાનગડ

ભ્રષ્ટાચાર પર લગામ કસતી સ્ટેન્ડીંગ કમીટીઃ ૧ દરખાસ્ત નામંજૂરઃ ૮ દરખાસ્તોમાં રિ-ટેન્ડર : સીમેન્ટ બ્લોક અને રબ્બર મોલ્ડ પેવિંગ બ્લોકના ભાવમાં મોટો તફાવત છતાં જુનાં એસ્ટીમેંટથી જ ટેન્ડરો થતાં હતાઃ આજની કમીટીમાં આવેલી પેવિંગ બ્લોકની ૮ દરખાસ્તોમાં રિ-ટેન્ડરની સુચનાઃ ર.પ૮ કરોડનાં જંગી ખર્ચે વૃક્ષારોપણની શંકાસ્પદ દરખાસ્ત નામંજૂરઃ જર્જરીત થયેલા ૩૬૦ આવાસો રીપેર કરાવી બાકી રહી ગયેલા લાભાર્થીને અપાશેઃ કુલ ૪પ કરોડનાં વિકાસ કામોને ચેરમેનની લીલીઝંડી

રાજકોટ તા. રપ :.. આજે મળેલી મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીમાં ભ્રષ્ટાચાર પર લગામ કસતાં નિર્ણયો લેવાયા હતાં. કમીટીએ ૧ દરખાસ્ત નામંજૂર કરી હતી. તેમજ ૮ જેટલી દરખાસ્તોમાં રિ-ટેન્ડરનાં નિર્ણયો કર્યા હતાં. જેમાં ૮ જેટલા  પેવિંગ બ્લોક કોન્ટ્રાકટમાં પ૦ લાખ જેટલો કડદો કરવાનો પ્રયાસ થઇ રહ્યાનું ચેરમેન ઉદય કાનગડે ખુલ્લુ પાડી આવી તમામ શંકાસ્પદ દરખાસ્તોમં રિ-ટેન્ડરો કરાવવા સુચન કરતાં જબરી હલચલ માચી હતી.

આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે વિસ્તૃત માહીતી મુજબ ગવરીદડ ખાતે આવેલ. મ.ન.પા.નાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમં ર.પ૮ કરોડનાં ખર્ચે વૃક્ષારોપણનો કોન્ટ્રાકટ આપવાનો હતો. પરંતુ આ ખર્ચ વધુ પડતો હોઇ અને શંકાસ્પદ લાગતો હોઇ તેની ઉંડી તપાસ કરી આ દરખાસ્ત નામંજૂર કરી આ વૃક્ષારોપણ સ્વૈચ્છીક સંસ્થાઓને 'રોપા' ત્થા ખાડાનાં પૈસા આપીને કરાવવા નિર્ણય લેતાં આ કામમાં ર કરોડ જેટલી રકમ બચી શકશે.

આ ઉપરાંત વોર્ડ નં. ૧ માં સત્યનારાયણ પાર્ક, મોચીનગર, ગૌતમનગર, લાભદીપ સોસાયટી, અક્ષરનગર વગેરેમાં જનભાગીદારી યોજના હેઠળ રબ્બર મોલ્ડ પેવીંગ બ્લોક નાખવાની ત્થા વોર્ડ નં. ૧ માં જ આલાપગ્રીન, શાસ્ત્રીનગર, વગેરે વિસ્તારોમાં રબ્બર મોલ્ડ પેવિંગ બ્લોક નાખવા સહિત કુલ ૮ જેટલાં પેવિંગ બ્લોક કોન્ટ્રાકટોમાં રિ-ટેન્ડર કરવા સ્ટેન્ડીંગ કમીટીએ સુચવ્યુ હતું.

રિ-ટેન્ડરનાં  નિર્ણય અંગે ચેરમેન ઉદયભાઇ કાનગડે જણાવેલ કે અગાઉ સિમેન્ટ બ્લોક નાખવામાં આવતા હતાં. જેનો ભાવ ૩૯૦ પ્રતિ ચો.મી. જેટલો આવતો હતો. અને તેની ઉપર ર૭ ટકા સુધી ઉંચા ભાવનાં ટેન્ડરો મંજૂર થયેલ. અને આ ૩૯૦ નાં ભાવ વાળા એસ્ટીમેન્ટ મુજબ જ ટેન્ડરો પ્રસિધ્ધ થતાં.

દરમિયાન હવે રબ્બર મોલ્ડ પેવીંગ બ્લોકનો નિયમ આવ્યો જેના ભાવ ૪૯૮ પ્રતિ ચો. મી. જેટલો હોય છે અને તેમાં ૧૧ ટકા સુધી નીચા ભાવે ટેન્ડરો મંજૂર થાય છે.

પરંતુ આ ટેન્ડરો ઉપરોકત ૩૯૦ નાં એસ્ટીમેન્ટ મુજબ જ મંજૂર થતાં રહ્યા નવુ એસ્ટેમેન્ટ બનાવાયુ નથી.

તેથી ઉકત તમામ ટેન્ડરોમાં ભાવમાં ૪૦ ટકા જેટલો વધારો - ઘટાડો જોવા મળ્યો અને અંદાજે પ૦ લાખ જેટલી રકમ ટેન્ડર નીચા ભાવનાં હોવા છતાં વધારે આપવાની થતી હોવાનું ધ્યાને આવ્યું આ બાબતનો અધિકારીઓએ પણ સ્વીકાર કર્યો.

આથી આ પ૦ લાખનાં તફાવતને કારણે ઉકત તમામ કોન્ટ્રાકટોમાં રિ-ટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો.

આ ઉપરાંત પ્રેમ મંદિર કાલાવડ રોડ પાસે જુના અને જર્જરીત બનેલાં ૩૬૦ જેટલા આવાસોને રીપેરીંગ કરાવી જેને આવાસ યોજનાનો કવાર્ટરો લાગ્યા નથી તેવા બાકી રહી ગયેલા લાભાર્થીઓને આપવાનો  નિર્ણય લેવાયો હતો. જયારે રેલનગર વિસ્તારમાં ખાલી પડેલા ૬૯૮ અન્ય આવાસો કેન્દ્ર સરકારની રેન્ટલ હાઉસીંગ સ્કીમ હેઠળ ભાડે આપવા નિર્ણય લેવાયો હતો.

આ ઉપરાંત આજની બેઠકમાં ૧૪.૭૧ લાખની તબીબી સહાય, ર.૬૪ કરોડનાં ડ્રેનેજ કામો, ૩ કરોડનાં વોટર વર્કસ, ૭૩ લાખનાં રસ્તા કામ અને ૧.૪૪ કરોડનાં પેવિંગ બ્લોક કામ સહિત કુલ ૪પ.૧૮ કરોડનાં વિકાસ કામોને લીલીઝંડી અપાઇ હતી.

રામનાથપરા સ્મશાનને રૂ. ૩ લાખની ગ્રાન્ટ ફાળવતા સ્ટેન્ડીંગ ચેરમેન

સ્મશાનની ગ્રાન્ટમાં કોરોનાં મૃતકો દિઠ રૂ. ૩૦૦ વધારાના આપવા નિર્ણય

રાજકોટ :.. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે તેઓને હોદાને  રૂએ મળતી વાર્ષિક ગ્રાન્ટમાં હવે રૂ. ૩ લાખ બાકી છે. આથી હવે તમામ બાકી ગ્રાન્ટ રામનાથપરા સ્મશાનમાં સુધારા-વધારા માટે ફાળવી દેવા નિર્ણય લેવાયો છે. જયારે આજની સ્ટેન્ડીંગ કમીટીમાં સ્મશાનોને કોરાનાં મૃતકોની અંતિમ વિધી માટે પ્રતિ મૃતદેહ દિઠ રૂ. ર૦૦ ની વધારાની ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત હતી. તેમાં રૂ. ૧૦૦ નાં વધારા સાથે પ્રતિ મૃતદેહ દીઠ રૂ. ૩૦૦ વધારાની ગ્રાન્ટ ફાળવવા નિર્ણય લેવાયાનું ચેરમેનશ્રીએ જણાવેલ.

(3:15 pm IST)