રાજકોટ
News of Monday, 26th October 2020

પૈસાની ઉઘરાણી મામલે પ્રણવ શાહનો પગ ભાંગી નાંખનારાની સીપી કચેરીના લીમડા નીચે પુછતાછ

બે લાખની ઉઘરાણી મામલે સાઇધામના યુવાન પર મિત્ર અલ્તાફ ઉર્ફ પિન્ટુ અને અજય ઉર્ફ કાલીએ હુમલો કર્યો હતોઃ થોરાળા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૨૬: ગોકુલધામ સોસાયટી પાછળ સાંઇધામ-૬માં રહેતાં પ્રણવ મયુરભાઇ શાહ (ઉ.વ.૨૩) પર ભાવનગર રોડ પર જયનાથ પેટ્રોલ પંપ પાસે પૈસાની ઉઘરાણી મામલે તેના જ મિત્ર અલ્તાફ ઉર્ફ પિન્ટુ સલિમભાઇ મલેક અને ગંજીવાડાના અજય ઉર્ફ કાલી મગનભાઇ મેર (ઉ.વ.૨૫)એ ધોકાથી હુમલો કરી પગ ભાંગી નાંખી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ હતી. થોરાળા પોલીસે આ બંને આરોપીઓને પકડી લીધા હતાં. બપોરે બંનેને પોલીસ કમિશનર કચેરી ખાતેના લીમડા નીચે આગવી ઢબે કડવાણી પીવડાવી કાયદાનું ભાન કરાવાયું હતું.

પ્રણવએ અનલોક-૧ વખતે પૈસાની જરૂર પડતાં મિત્ર એવા અલ્તાફ ઉર્ફ પિન્ટુ   પાસેથી નાણા લીધા હતાં. ચાર ટકા વ્યાજે લેવાયેલા બે લાખની ગઇકાલે ઉઘરાણી કરી અત્યારે જ પૈસા પાછા નહિ આપ તો જીવતો મારી નાંખીશ તેમ કહી હુમલો કરાતાં પ્રણવનો પગ ભાંગી ગયો હતો. પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમા ગુનો નોંધાયો હતો. હેડકોન્સ. એ. જી. પરમાર સહિતે આરોપીઓની ધરપકડ કરી હતી. બંનેને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સમક્ષ રજૂ કરાયા હતાં. એ પછી બંનેને કાયદાનું ભાન કરાવવામાં આવતાં લીમડા નીચે ઓય માડી ઓય બાપાના અવાજો થયા હતાં.

(2:42 pm IST)