રાજકોટ
News of Monday, 26th October 2020

પાણીની કિંમત કરોડોમાં છે માટે વાપરો એને... જાણી... જાણી...

રાજકોટિયનોએ ૩૪.૪૮ અબજ લીટર નર્મદા નીર ગટગટાવ્યું

છેલ્લા ૪ વર્ષમાં રાજકોટને મળેલા નર્મદાનીર અંગે કોર્પોરેટરે જનરલ બોર્ડમાં પુછેલા પ્રશ્નનાં જવાબમાં નર્મદાનીર પાછળ થતો કરોડોનો ખર્ચ બહાર આવ્યો : ૧ હજારે લીટરે રૂ.૬ નો ચાર્જ ચુકવાય છે

રાજકોટ, તા. ર૬ :  પાણી કિંમતી છે એવું સામાન્ય રીતે લોકો બોલતાં હોય છે. પરંતુ રાજકોટવાસીઓ માટે પાણી હકિકતમાં અત્યંત કિંંમતી છે. કેમકે રાજકોટ માટે નર્મદા યોજનાનું પાણી ખરીદીને તેનુ વિતરણ થાય છે. જેનો ચાર્જ દર હજાર લીટરે રૂ. ૬ જેટલો ચુકવાય છે. એ હિસાબે છેલ્લા ૪ વર્ષમાં રાજકોટિયનોએ કરોડો રૂપિયાનું નર્મદાનીર ગટગટાવ્યું છે કેમકે છેલ્લા ૪ વર્ષમાં રાજકોટને ૩૪.૪૮ અબજ નર્મદાનીર આપવામાં આવ્યું છે. જેનો ચાર્જ ર૦ કરોડની આસપાસ ચુકવવાનો થાય છે.

આ અંગે તાજેતરમાં મળેલા જનરલ બોર્ડમાં ભાજપનાં કોર્પોરેટરે પુછેલા પ્રશ્નનાં જવાબમાંં અધિકારીઓએ જે માહિતી આપી હતી તે મુજબ રાજય સરકારે છેલ્લા ૪ વર્ષમાં બેડી ફીલ્ટર પ્લાન્ટ અને આજી ફીલ્ટર પ્લાન્ટ તથા કોઠારીયા ફીલ્ટર પ્લાન્ટ કે જયાંથી સામાકાંઠા વિસ્તારમાં નર્મદાનીર અપાય છે. ત્યાં ૧,૧૭,ર૯પ,૪પ લાખ લીટર નર્મદાનીરનું વિતરણ થયું છે.

જયારે ન્યારા પમ્પીંગ સ્ટેશન ખાતે કે જયાંથી નવા રાજકોટને નર્મદાનીર આપવામાં આવે છે ત્યાં છેલ્લા ૪ વર્ષમાં ર,ર૭,પ૧,૧૯,૪પ લાખ લીટર નર્મદાનીર આપવામાં આવ્યા છે.

જયારે સૌની યોજના હેઠળ આજી ડેમ અને ન્યારી ડેમમાં અત્યાર સુધીમાં કુલ ૯૪૦ મીલીયન કયુબીક મીટર નર્મદાનીર ઠાલવવામાં આવ્યા છે.

આમ, ઉપરોકત આંકડાઓના હીસાબે રાજકોટમાં દર વર્ષે કરોડો રૂપિયાનું નર્મદાનીર ઠલવાય છે. જેનું બિલ મ.ન.પા. દ્વારા રાજય સરકારને ચુકવવામાં આવે છે.

આમ પાણીની કિંમત હવે ખરેખર કરોડો રૂપિયામાં થઇ રહી છે ત્યારે પાણીને વેડફવા ને બદલે પાણીનો ઉપયોગ જાણી..જાણી.. ને કરવો હીતાવહ છે.

(3:33 pm IST)