રાજકોટ
News of Tuesday, 27th October 2020

પરિવારને ચેપમુકત રાખવા રિક્ષાચાલક બાલુભાઇએ લીધો જાગૃતિસભર નિર્ણય

સરકારની કોવિડ કેર સેન્ટરની સુવિધાને ગણાવી આશીર્વાદરૂપ

રાજકોટ : 'હું રીક્ષા ચલાવું છું તેથી મને કોરોનાગ્રસ્ત વ્યકિતનો ચેપ લાગવાની શકયતા વધુ રહેતી હોવાથી હું મારા સ્વાસ્થ્યની ખૂબ કાળજી રાખતો, તેમ છતાં ૧૫ દિવસ પૂર્વે મને જરાક તાવની અસર લાગતાં મેં તુરંત જ આરોગ્યકેન્દ્ર ખાતે કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ઘરે મારી સગર્ભા પત્ની અને ૧૦ વર્ષીય પુત્રને મારો ચેપ ન લાગે તે માટે મેં સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ થવાનો નિર્ણય લીધો અને હવે હું બિલકુલ સ્વસ્થ છું.' આ શબ્દો છે કોરોના ટેસ્ટ પ્રત્યે જાગૃતિ દર્શાવતા રિક્ષાચાલક બાલુભાઈ બચુભાઇ ગોહિલનાં.

૩૬ વર્ષીય બાલુભાઈએ જણાવ્યું હતું કે, 'હું ઘરે કવોરેન્ટાઇન રહ્યો હોત તો મને મારાં સ્વાસ્થ્યની ચિંતા કરતાં મારો પરિવાર કોરોનાથી સંક્રમિત ન થઈ જાય તેની ફિકર વધુ રહી હોત. પરંતુ રાજય સરકાર દ્વારા કોરોનાનાં દર્દીઓ માટે ખાસ કોવિડ કેર સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જે મારા માટે તો જાણે આશિર્વાદરૂપ બની હતી. મને સહેજ તાવ સિવાય અન્ય કોઈ પ્રકારની તકલીફ ન હોવાથી માત્ર ૩ દિવસમાં હું સ્વસ્થ થઈ ગયો હતો અને ૭ દિવસે હું મારા ઘરે પરત ફર્યો છું.' તમે જરાક પણ અસ્વસ્થતા અનુભવો તો તુરત ટેસ્ટ કરાવો.

(1:03 pm IST)