રાજકોટ
News of Tuesday, 27th October 2020

કમાવાવાળી આવી ગઇ છે, પતિને દુબઇ જવા માટે માવતરેથી પૈસા લઇ આવ કહી.. બિંજલબેનને ત્રાસ

તાલાલાના પતિ પુનીત કાનાબાર, સાસુ દક્ષાબેન, સસરા સુરેશભાઇ, જેઠ રવિ અને જેઠાણી ઉર્વી સામે ગુનો

રાજકોટ, તા. ર૭ : જામનગર રોડ નાગેશ્વર પાસે વાસુ પુજય એપાર્ટમેન્ટમાં માવતર ધરાવતી મહિલાને તાલાલાગીરમાં રહેતા પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી ઘરકામ બાબતે અને પતિને દુબઇ કમાવા જવા માટે માવતરેથી પૈસા લઇ આવવા માટે મેણાટોણા મારી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર વાસુ પુજય એપાર્ટમેન્ટમાં માવતરના ઘરે રહેતા બિંજલબેન પુનીતભાઇ કાનાબાર (ઉ.વ.૩૧) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવલી ફરીયાદમાં ગીર સોમાનાથના તાલાલાગીર ગોકુલનગર જગદીશ પાર્કમાં રહેતા પતિ પુનીત સુરેશભાઇ કાનાબાર, સાસુ દક્ષાબેન કાનાબાર, સસરા સુરેશભાઇ ધનજીભાઇ કાનાબાર, જેઠ રવિ કાનાબાર અને જેઠાણી ઉર્વી કાનાબારના નામ આપ્યા છે. બીંજલબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતાં પોતે બી.કોમ અને સી.એ.નો અભ્યાસ કર્યો છે. લગ્ન બાદ પોતે સાસરીયામાં તાલાલાગીર ખાતે સંયુકત પરિવારમાં રહેતા હતાં લગ્ન બાદથી પોતાને સાસુ કહેતા કે, 'હવે કમાવાવાળી આવી ગઇ છે. તેમ મેણાટોણા મારતા હતાં. સસરા અને જેઠ અપશબ્દો બોલી મેણાટોણા મારતા હતાં તેમજ પતિને કમાવા માટે દુબઇ જવું હોય, જેથી પતિ કહેતા કે, 'તારા પિતા પાસેથી પૈસા લઇ આવ, અને સાસુ-સસરા પણ પતિને પોતાના વિરૂદ્ધ મઢામણી કરતા જેથી પતિ પોતાની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. બાદ પતિને બરોડા ખાતે પ્રાઇવેટ નોકરી હોઇ જેથી બંને એક માસ બાદ બરોડા રહેવા ગયા હતાં. બાદ સસરા જયારે ફોન કરતા ત્યારે પતિનો એકાએક સ્વભાવ બદલાઇ જતો અને ફરી પોતાની પાસે પૈસાની માંગણી કરતા અને જયારે સાસુ-સસરાતથા જેઠ-જેઠાણી પોતાના ઘરે બરોડા ખાતે આવતા. ત્યારે કામકાજ બાબતે સાસુ ઝઘડો કરતા અને પોતાના જેઠ-જેઠાણી પણ ઝઘડો કરતા અને પૈસાની માંગણી કરતા અને માકુટ પણ કરતા હતાં. પતિ જાન્યુઆરી -ર૦૧૭ના રોજ દુબઇ ગયા બાદ ફેબ્રુઆરી માસમાં પોતે દુબઇ ગયા હતાં ત્યાં પણ પતિ નાની નાની વાતમાં ઝઘડો કરી મારકુટ કરતા અને પોતે પતિ સાથે દર છ મહિને તાલાલા આંટો મારવા આવતા ત્યારે સાસુ-સસરા તથા જેઠ-જેઠાણી પૈસા બાબતે ઝઘડો કરતા અને મારકુટ કરતા હતાં અને બાદ બંને દુબઇ ગયા ત્યારે પણ પતિ પૈસાની માગણી કરતા હતાં પોતે ના પાડે તો બાદ પતિ ત્રણ-ચાર દિવસ માટે તાલાલા ગયા ત્યારે પોતાના પિતાને ફોન કરી કહેલ કે, મને ઓફીસમાંથી ડિસમીસ કરી દીધો છે તો તમે તમારી દીકરીને તમારા ખર્ચે ભારત પાછી તેડાવી લો , તેમ કહેતા પિતાએ પોતાને ફોન કરી વાત કરતા પોતે પતિની ઓફીસમાં તપાસ કરેલ તો પતિએ એક દોઢ મહિના પહેલા જ રાજીનામુ આપી દીધું હોવાનું જાવણા મળ્યું હતું અને પોતાના વિઝા તથા મેડીકલ કાર્ડ કેન્સલ કરાવી દીધેલ. આથી પોતે એમ્બેસીમાં મદદ માંગેલ બાદ પોતે ભારત આવ્યા હતા અને પિતાના ઘરે આવ્યા બાદ પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ એ.કે. સાંગાણીએ તપાસ હાથ ધરી છે.

(2:35 pm IST)