રાજકોટ
News of Saturday, 28th November 2020

જામનગર રોડ વિનાયક વાટીકામાં રામદેવ ડાંગરના ઘરમાંથી ૮ જીવતા કાર્ટીસ અને દારૂની બોટલ મળ્યા

ઘરમાં હથીયાર હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડ્યોઃ રામદેવ હાજર ન મળ્યોઃબે ગુના નોંધાયા : અગાઉ રામદેવની નાના-મોટા ૧૪ ગુનામાં સંડોવણી

રાજકોટ તા. ૨૮: જામનગર રોડ પર વિનાયક વાટીકા-૧માં રહેતાં અને એક સમયે બલી ડાંગરના સાથીદાર રહી ચુકેલા રામદેવ લક્ષમણભાઇ ડાંગરના ઘરમાં ગેરકાયદેસર હથીયાર હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચની ટીમે મોડી રાતે એકાદ વાગ્યે દરોડો પાડતાં રામદેવ મળી આવ્યો નહોતો. પણ તલાશી લેતાં ઘરમાંથી ૮ જીવતા કાર્ટીસ અને દારૂની બોટલો મળતાં બે અલગ-અલગ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાંચની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે જયપાલસિંહ ઝાલા, યોગીરાજસિંહ જાડેજા અને દિપકભાઇ ડાંગરનેમાહિતી મળી હતી કે વિનાયક વાટીકામાં રહેતાં રામદેવ ડાંગરના ઘરમાં હથીયાર છે. આ માહિતીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પરંતુ રામદેવ ઘરમાં હાજર નહોતો. પોલીસે તલાશી લેતાં  ૮ જીવતા કાર્ટીસ અને એન્ટીકવીટી બ્લુની ૨ લિટરની વ્હીસ્કીની બોટલમાં આશરે ૪૦૦ મીલી દારૂ તથા જોની વોકર ગોલ્ડ લેબલ રિઝર્વ બ્રાન્ડની ૧ લિટર વ્હીસ્કીની રૂ. ૨૫૦૦ની બોટલ મળતાં બે અલગ-અલગ ગુના નોંધી રામદેવની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસના કહેવા મુજબ રામદેવ ડાંગર વિરૂધ્ધ અગાઉ ગાંધીગ્રામમાં ૩૨૬, રાયોટ, પ્ર.નગરમાં ૩૨૪, બી-ડિવીઝનમાં દારૂના બે તથા મારામારી-રાયોટ આર્મ્સ એકટના  બે મળી ચાર ગુના, બી-ડિવીઝનમાં અન્ય એક હત્યાની કોશિષનો ગુનો, ડીસીબીમાં બોગસ દસ્તાવેજો ઉભા કરવા, આર્મ્સ એકટ, થોરાળામાં હત્યાની કોશિષ, એ-ડિવીઝનમાં ૩૮૫, ૩૮૭, માલવીયાનગરમાં રાયોટ, આર્મ્સ એકટ, પ્ર.નગરમાં અકસ્માતનો, લોધીકામાં રાયોટ-કાવત્રુ સહિતની કલમો હેઠળ કુલ ૧૪ ગુના નોંધાઇ ચુકયા છે. આ શખ્સ ગુના કરવાની ટેવ વાળો હોઇ કોઇ નિર્દોષ નાગરિક ભોગ બન્યા હોય તો લાગતા વળગતા પોલીસ સ્ટેશન અથવા ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરવો.

પોલીસ સુત્રોના કહેવા મુજબ રામદેવ બલી ડાંગરનો સાથીદાર રહી ચુકયો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા, ધીરેનભાઇ માલકીયા, ભગીરથસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, યોગીરાજસિંહ જાડેજા, ભુમિકાબેન ઠાકર સહિતે આ કામગીરી કરી હતી.

(2:31 pm IST)