રાજકોટ
News of Saturday, 28th November 2020

મોરબીમાં યાર્ડના ગેઇટ પાસે જય ગાંઠીયાવાળા વેપારી સંજયભાઇ સોમૈયા પર હીચકારો હુમલો

સામે હુમલાખોરો સાગર મુંધવા અને સાગર દેલવાડીયા પણ ઘવાયાઃ જુના મનદુઃખમાં ડખ્ખોઃ ત્રણેયને રાજકોટ ખસેડાયાઃ સંજયભાઇને ગંભીર ઇજા

રાજકોટ તા. ૨૮: મોરબીમાં માર્કેટ યાર્ડના ગેઇટ બહાર ગાંઠીયાની દૂકાન ધરાવતાં વેપારી પર રાત્રીના બે શખ્સોએ ધોકા-પાઇપ-છરીથી હુમલો કરી ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. સામે બે હુમલાખોરો પણ પોતાના પર હુમલો થયાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલમાં દાખલ થયા છે.

મોરબીમાં રવાપર રેસિડેન્સીમાં રહેતાં અને યાર્ડના ગેઇટ પાસે જય ગાંઠીયા રથ નામે દૂકાન ધરાવતાં સંજયભાઇ હીરાભાઇ સોમૈયા (ઉ.વ.૪૬) રાતે અગિયારેક વાગ્યે પોતાની દૂકાને હતાં ત્યારે સાગર મુંધવા અને સાગર દેલવાડીયાએ આવી ઝઘડો કરી ધોકા-પાઇપથી માર મારી છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. આ અંગે હોસ્પિટલ ચોકીના રણછોડભાઇએ મોરબી એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

સંજયભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગંભીર ઇજા પહોંચી હોઇ વહેલી સવારે ઓપરેશનમાં લઇ જવાયા હતાં. બહાર આવ્યા બાદ તેઓ સ્પષ્ટ બોલી શકતાં ન હોઇ પોલીસ બાદમાં નિવેદન નોંધશે. હુમલાનું કારણ તેઓ જાણતા નહિ હોવાનું સ્વજનોએ કહ્યું હતું.

બીજી તરફ હુમલાખોર પૈકીનો સાગર નવઘણભાઇ મુંધવા (ઉ.વ.૨૨) પોતે રાતે ઘર પાસે હતો ત્યારે ભાવેશ નામના શખ્સે તલવારથી હુમલો કર્યાની રાવ સાથે અને તેનો મિત્ર સાગર મનસુખભાઇ દેલવાડીયા (ઉ.વ.૧૫) પોતાના પર સંજયભાઇ ગાંઠીયાવાળાએ છરી ધોકાથી ઇજા કર્યાના આક્ષેપ સાથે રાજકોટ દાખલ થયો હતો. સાગર મુંધવાના કહેવા મુજબ છોકરી બાબતે જુનુ મનદુઃખ ચાલતું હોઇ તે કારણે માથાકુટ થઇ હતી. જો કે મોરબી પોલીસ સાચુ કારણ જાણવા તપાસ કરી રહી છે.

(11:47 am IST)