રાજકોટ
News of Saturday, 28th November 2020

નીચે ગીતાબેન રોટલા ઘડતા'તા ઉપરથી વિક્કીની પત્નિ થુંકીઃ ધ્યાન રાખવાનું કહેતાં હીચકારો હુમલો

ગીતાબેન, તેના પતિ ઉમેશને છરી-ધોકા-તલવારના ઘાઃ સામે વિક્કી અને સાવનને ઇજાઃ ઘંટેશ્વર ૨૫ વારીયામાં બનાવઃ ગાંધીગ્રામ પોલીસે સામ-સામી ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા. ૨૮: જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં ભાડાના મકાનમાં રહેતાં મુળ વિછીયાના આંકડીયા ગામના ગીતાબેન ઉમેશભાઇ સોલંકી (ઉ.વ.૪૦) અને તેના પતિ ઉમેશભાઇ હેમુભાઇ સોલંકી (ઉ.વ.૪૨) પર રાત્રીના તેના ઉપરના માળે રહેતાં વિક્કી ચોરસીયા, સાવન ચોરસીયા અને અજાણ્યાએ મળી તલવાર, છરી, ધોકાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

સામા પક્ષે વિક્કી જીણાભાઇ ચોરસીયા (ઉ.વ.૨૦) તથા સાવન જીણાભાઇ ચોરસીયા (ઉ.વ.૧૫) પણ પોતાના પર ગીતાબેન, ઉમેશ સહિતે છરીથી હુમલો થયાની રાવ સાથે સિવિલમાં દાખલ થયા છે. ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ બી.એમ. ગઢવીએ ઉમેશભાઇની અને સામા પક્ષે વિક્કીની ફરિયાદ નોંધી હતી.

ઉમેશભાઇના કહેવા મુજબ પોતે ડ્રાઇવીંગ કરે છે. ભાડાના ઘરમાં નીચેના માળે રહે છે. પત્નિ ગીતાબેન રાતે ફળીયામાં ચુલા પર રોટલા ઘડતી હતી ત્યારે ઉપરથી વિક્કીની ઘરવાળી થુંકતા થુંક ગીતાબેન અને રોટલા પર પડતાં રોટલા ફેંકી દેવા પડ્યા હતાં. તેણીને ધ્યાન રાખવાનું કહેતાં વિક્કી, સાવન સહિતના તૂટી પડ્યા હતાં.

સામા પક્ષે વિક્કીએ પણ થુંકવા બાબતે ઝઘડો થતાં પોતાના અને ભાઇ પર છરી-ધોકાથી હુમલો થયાની ફરિયાદ કરી હતી.

(1:03 pm IST)