રાજકોટ
News of Saturday, 28th November 2020

રાજકોટ યાર્ડમાં મગફળી વિભાગના મજુરોની હડતાલ બાદ સમાધાન : મજુરોને 'કર્ફયુ મુકિત'ના પાસ ઇસ્યુ કરાશે

મોડીરાત સુધી કામ કરતા હોય કર્ફયુમાં પોલીસની હેરાનગતિ ન થાય તે માટે 'પાસ' ઇસ્યુ કરાવાની માંગણી સાથે : યાર્ડમાંથી મજુરોનું લીસ્ટ આવ્યા બાદ પોલીસ પાસ ઇસ્યુ કરશે : કુવાડવા પોલીસ મથકના પી.આઇ. વાળા

રાજકોટ તા. ૨૮ : કર્ફયુમાં પોલીસની હેરાનગતિ ન થાય તે માટે મોડી રાત સુધી કામ કરતા મગફળી વિભાગના મજુરોએ કર્ફયુના પાસ ઇસ્યુ કરવાની માંગણી સાથે હડતાલ ઉપર ઉતરી જતા રાજકોટ યાર્ડમાં મગફળીની હરરાજી ઠપ્પ થઇ ગઇ હતી. જો કે યાર્ડના શાસકોએ પોલીસ સાથે સંકલન કરતા અંતે મામલો થાળે પડી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી વિભાગના મજુરો આજે સવારે અચાનક પોલીસની હેરાનગતિ ન થાય તે માટે કર્ફયુના પાસ ઇસ્યુ કરવાની માંગણી સાથે હડતાલ ઉપર ઉતરી જતા મગફળીની હરરાજી ઠપ્પ થઇ ગઇ હતી. હડતાલની જાણ થતાં રાજકોટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણી મગફળી વિભાગમાં દોડી જતા મજુરોએ કર્ફયુના પાસ ઇસ્યુ કરવાની માંગણી કરતા યાર્ડના સેક્રેટરી તેજાણીએ કુવાડવા પોલીસ મથકના પી.આઇ. વાળાને રજૂઆત કરતા પી.આઇ. વાળાએ યાર્ડના મજુરોનું લીસ્ટ મોકલવાનું જણાવ્યું હતું અને લીસ્ટ મુજબ મજુરોના 'કર્ફયુ મુકિત'ના પાસ ઇસ્યુ કરશે તેવી ખાત્રી આપતા અંતે મજુરોએ હડતાલ સમેટી લીધી હતી.

મગફળી વિભાગના મજુરોના જણાવ્યા મુજબ યાર્ડમાં હાલમાં મગફળીની પુષ્કળ આવકો થતી હોય મોડી રાત સુધી યાર્ડમાં મગફળી ચડાવવા અને ઉતારવાની કામગીરી ચાલુ હોય છે. પણ રાત્રીના ૯ વાગ્યાથી રાજકોટમાં કર્ફયુ અમલમાં હોય મોડી રાત્રે મજુરો ઘરે પરત ફરતા હોય ત્યારે પોલીસની હેરાનગતિનો ભોગ બનવું પડે છે. અગાઉ મજુરો તથા વેપારીઓને કર્ફયુ મુકિતના પાસ ઇસ્યુ કરવાની રજૂઆત કરાઇ હતી  પણ કોઇ કાર્યવાહી ન કરાતા અંતે આજે હડતાલનું શસ્ત્ર ઉગામવું પડયું હતું.

યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ જણાવ્યું હતું કે, મજુરોની કર્ફયુ મુકિતના પાસ ઇસ્યુ કરવાની માંગણી અંગે પોલીસમાં રજૂઆત કરાતા પાસ ઇસ્યુ કરાશે તેવી ખાત્રી મળતા મજુરોએ હડતાલ સમેટી લીધી છે. આજે મગફળીની હરરાજી ખોરવાઇ ગઇ હતી પણ આવતીકાલથી રાબેતા મુજબ મગફળીની હરરાજીની કામગીરી ચાલુ થઇ જશે. મગફળી સિવાયની અન્ય જણસીઓની હરરાજી રાબેતા મુજબ ચાલુ છે.

આ અંગે કુવાડવાના પી.આઇ. વાળાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, યાર્ડના સેક્રેટરી સાથે મજુરોની માંગણી અંગે વાતચીત થઇ છે. યાર્ડના સેક્રેટરી દ્વારા મજુરોનું લીસ્ટ પોલીસમાં આવ્યા બાદ મજુરોને કર્ફયુ મુકિતના પાસ ઇસ્યુ કરી દેવામાં આવશે. કર્ફયુમાં યાર્ડના મજુરોને હેરાનગતિ ન થાય તે માટે સ્ટાફને સુચના આપી દેવામાં આવી છે.

(1:04 pm IST)