રાજકોટ
News of Saturday, 28th November 2020

શહેરની રપ કોવિડ હોસ્પિટલમાં મ.ન.પા.નું ચેકીંગ : કેટલીકમાં નાની-મોટી ક્ષતિ : નોટીસો

ફાયર સેફટી સાધનો, ઇલેકટ્રીક સાધનો અને કોવિડ ગાઇડ લાઇન સહિતની બાબતોના ચેકીંગ માટે ૪ ટુકડીઓ સવારથી કામે લાગી : હોપ હોસ્પિટલના બાંધકામમાં દબાણ હોઇ દૂર કરવા ટી.પી. શાખાને આદેશઃ સેલસ હોસ્પિટલમાં સ્મોક-ડીટેકટર અને એલાર્મ ચાલુ કરાવવા તાકીદ

રાજકોટ, તા. ર૮ : ગઇકાલે ઉદય કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલ જીવલેણ અગ્રિકાંડ બાદ રાજય સરકાર હોસ્પિટલોમાં ફાયર સેફટીના મુદ્દે વધુ કડક બની છે અને ફરીથી શહેરની ર૧ જેટલી કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી સાધનો સહિતની બાબતોનો સર્વે રાજય સરકારના આદેશથી મ.ન.પા.ના ફાયર બ્રિગેડ, રોશની અને આરોગ્ય તંત્ર દ્વારા સંયુકત રીતે શરૂ કરાયો હતો. જેમાં બપોર સુધીમાં બેથી ત્રણ હોસ્પિટલોમાં નાની-મોટી ક્ષતિઓ જોવા મળતા તે દૂર કરવા સ્થળ પરથી તાકીદ કરાયેલ તેમજ આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારથી શહેરની કોવિડ હોસ્પિટલોમાં ફાયર સીસ્ટમ્સ, ઇલેકટ્રીક સાધનો આરોગ્યના નિયમો વગેરે બાબતોનું જુદી જુદી ૪ ટીમો દ્વારા ચેકીંગ શરૂ કરાયેલ.

જેમાં ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટી સાધનો જેવા કે હાઇડ્રન, ફાયર એકસ્ટીમ્બ્યુસર, સ્મોક ડીટેકટર, એલાર્મ વગેરે સાધનો બરાબર કામ કરે છે કે કેમ ? તેનું ચેકીંગ કરાયેલ.

જયારે રોશની વિભાગ દ્વારા હોસ્પિટલનું વાયરીંગ, ઇલેકટ્રીક લોડ, વિજ કનેકશન વગેરે બાબતોનું ચેકીંગ કરવામાં આવેલ અને આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં કોવિડ ગાઇડ લાઇન મુજબ સેનેટાઇઝેશન, ઓકિસજન, વેન્ટીલેટર, દર્દીઓની સારસંભાળ થઇ રહી છે કે કેમ ? તેનું ચેકીંગ કરાયેલ.

ચેકીંગ દરમિયાન કરણસિંહજી રોડ પર આવેલ હોપ હોસ્પીટલનાં બહાર નિકળવાનાં દરવાજામાં દબાણ જોવા મળતાં તે દૂર કરવા ટાઉન પ્લાનીંગ વિભાગને જાણ કરાયેલ તેમ ચીફ ફાયર ઓફીસર શ્રી ખેરએ જણાવ્યું હતું.

જયારે સેલેસ હોસ્પીટલમાં સ્મોક ડીરેકટર અને એલાર્મ ચાલુ નહી હોવાનું જણાતાં  તે ચાલુ કરાવવા આસી. ફાયર ઓફીસર શ્રી ઠેબાએ જણાવેલ.

આ ચેકીંગની કાર્યવાહીમાં નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ પણ જોડાયા હતાં. તેઓએ આરોગ્ય લક્ષી બાબતોની તપાસ કરી હતી.

સીવીલ હોસ્પીટલમાં પણ આ પ્રકારે ચેકીંગ કરાયેલ હતું. તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

(3:17 pm IST)