રાજકોટ
News of Wednesday, 30th September 2020

પીજીવીસીએલના એકાઉન્ટ સુપ્રિ. સેલારા સામે અગાઉ પણ તપાસ થઇ હતી : આમ છતાં પ્રમોશન આપી દેવાયાનો ઘટસ્ફોટ

તપાસનો ધમધમાટ શરૂ : દિકરીના નામે મેડીકલ બીલ - એલટીસી પણ મેળવ્યાનું ખૂલ્યું : અગાઉની ફાઇલો મંગાવતા અધિકારીઓ : ૨૦૧૮માં સેલારાને પ્રમોશન કઇ રીતે અપાયું તે પણ તપાસનો મૂદ્દો

રાજકોટ તા. ૩૦ : પીજીવીસીએલના રૂરલ ડિવીઝનમાં ફરજ બજાવતા એકાઉન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ સેલારાએ દિકરીના નામે અને અન્ય સગાના નામે પેઢી ઉભી કરી વીજ તંત્રને સ્ટેશનરી સહિતની ચીજવસ્તુઓ સપ્લાય કરાતી હોવાનું કૌભાંડ ખુલ્યા બાદ ગઇકાલે સાંજે હાઇલેવલ તપાસના આદેશ થતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

અગાઉ સુરેશ સેલારા સામે મહિલા કર્મચારીઓએ હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદો કરી હતી અને હવે સેલારાએ પરિવારજનોના નામે પેઢીઓ ઉભી કરી વીજતંત્રને વિવિધ સ્ટેશનરી સહિતની ચીજવસ્તુઓ સપ્લાય કરાતી હોવાની ફરિયાદ બાદ ગઇકાલ સાંજથી ઉચ્ચ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, વીજ તંત્રને સપ્લાય કરવાની વસ્તુના ટેન્ડરમાં સેલારાએ ત્રણ-ત્રણ ભાવો ભરી દિધા હતા, એટલું જ નહી સેલારા સામે આ મુદ્દે અગાઉ પણ તપાસ થઇ હતી, પરંતુ તેમાં ફીંડલૂવાળી દેવાયું અને સેલારાને ૨૦૧૮માં પ્રમોશન પણ આપી દેવાયું, આશ્ચર્યની વાત એ છે કે સેલારા સામે ત્યારે તપાસ હતી તો ૨૦૧૮માં તેને પ્રમોશન કઇ રીતે મળ્યું અને તેમાં કયાં બે મુખ્ય અધિકારીએ ભાગ ભજવ્યો તે પણ તપાસનો વિષય છે.

હાલ ચાલી રહેલ તપાસમાં સેલારાએ પોતાની દિકરીના નામે એલટીસી - મેડીકલ બીલ પણ મેળવ્યાનો ધડાકો થયો છે, અધિકારીઓએ આ બધા કાગળો હાલ જપ્ત કર્યા છે અને અગાઉની તપાસની ફાઇલો પણ મંગાવાઇ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

(11:17 am IST)