રાજકોટ
News of Wednesday, 30th September 2020

કાલે રાજકોટ સહિત દેશભરમાં BSNL કર્મચારીઓની ભૂખ હડતાલઃ કાળો દિવસ મનાવશેઃ બપોરે સૂત્રોચ્ચાર

કાલે BSNLનો ર૦મો સ્થાપના દિવસઃ ૪-જી સેવા-પે-રીવીઝન-પેન્શન-નિયમીત પગાર સહિતના મુદા અંગે લડત

રાજકોટ તા. ૩૦ :.. કાલે ૧લી ઓકટોબરે બીએસએનએલનો ર૦મો સ્થાપના દિવસ છે, અને આ દિવસે જ રાજકોટ સહિત દેશભરમાં દરેક જીલ્લા સર્કલ - તાલુકા ઓફીસો ઉપર બીએસએનએલ.ના હજારો કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિવિધ પ્રશ્નો અંગે કાળો દિવસ મનાવશે, તથા દેશભરમાં ભૂખ હડતાલનું પણ એલાન અપાયું છે.  કાલે કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે, ભુખ હડતાલ કરી, બપોરે ર થી રાા વાગ્યાથી વચ્ચે ઉગ્ર સુત્રોચ્ચાર કરી દેખાવો કરશે.

કર્મચારી આગેવાનોએ  જણાવ્યું હતું કે ૪-જી સેવા શરૂ કરવામાં કેન્દ્ર દ્વારા વિક્ષેપ, ટેન્ડર અંગે વિક્ષેપ, પે-રીવીઝન, પેન્શન, તથા દર મહિને નિયમીત વેતન સહિતની માંગણીઓ સબબ કાલે આંદોલન કરાશે, હાલ બીએસએનએલ રાજકોટ જીલ્લામાં માંડ થોડા ઘણા કર્મચારીઓ છે તે લોકો હડતાલમાં જોડાવાના હોય, તમામ સેવા ઠપ્પ થવાનો ભય સેવાઇ રહ્યો છે.

(11:18 am IST)