રાજકોટ
News of Friday, 30th October 2020

૩૦૦થી વધુ બાળકોને કોરોના મુકત કરવાની ખુબ મહત્વની ભુમિકા નિભાવી સિવિલની પિડિયાટ્રીક ટીમે

૩ દિવસથી માંડી ૧૨ વર્ષ સુધીના બાળકોને અનેકવિધ ક્રિટિકલ સારવાર થઇઃ બાળકોની સારવાર કરતી વખતે માતા પિતા સાથે કાઉન્સેલિંગ વધી જાય છેઃ ડો. કોમલ મેંદપરા

રાજકોટ,તા. ૩૦: સામાન્ય પરિવારનું દસ વર્ષનું બાળક પડી જતા થાપાના ભાગે ગંભીર ઇજા થઈ હતી, જેને સિવિલ ખાતે લાવવામાં આવ્યું ત્યારે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોઈ કોરોનાના લક્ષણો જણાતા તેનો ટેસ્ટ કરવામાં આવ્યો. જે પોઝિટિવ આવતા તુરત જ તેને કોવીડના બાળકોના વિભાગમાં દાખલ કરાયું.  સર્જીકલ, ઓર્થોપેડિક, સહીત ટોચના ડોકટર્સની ટીમે બાળકને સાજો કરવા અથાગ મહેનત કરી હતી. એમ.આર.આઈ., સિટિ સ્કેન સહીત સઘન સારવાર બાદ દોઢ મહિના સુધી જે પ્રમાણે અમે ટીમ વર્ક કરી ક્રિટિકલ બાળકને સાજો કર્યો તે અનુભવ મારા માટે સુખદ રહ્યાનું રાજકોટ સિવિલના પીડિયાટ્રિક વિભાગમાં કાર્યરત ડો. કોમલ મેંદપરા જણાવે છે.

ડો. કોમલ પહેલા દિવસથી જ કોરોનાના દર્દીઓની સારવારમાં જોડાયેલા છે. તેઓ અન્ય એક અનુભવ વિષે જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાંથી હાઈરિસ્ક પ્રેગ્નન્ટ મહિલાને પોઝિટિવ આવતા સિવિલ ખાતે એડમિટ કરવામાં આવ્યા. સારવાર દરમ્યાન જોડિયા બાળકોને જન્મ આપ્યો. બાળકો બંને નેગેટિવ હતાં. મહિલાને પણ સારવાર બાદ નેગેટિવ આવ્યો. આ અનુભવ પણ અમારા માટે વિશેષ હતો.

બાળકોના વિભાગમાં અન્ય એક સાત વર્ષની બાળકી ખાનગી હોસ્પિટલમાંથી ટ્રાન્સફર કરાઈ ત્યારે તેને ઓકિસજન માસ્ક સાથે લાવવામાં આવી હતી. તેને પોઝિટિવ આવતા આ બાળકીને એ જ કન્ડિશનમાં અમે ટ્રીટમેન્ટ આપવાની શરૂઆત કરી હતી. ૧૬ દિવસ સુધી ઘનિષ્ઠ સારવાર બાદ બાળકી કોરોના મુકત બની હતી. તેમના માતાપિતાએ સિવિલ દ્વારા કરવામાં આવેલી સારવાર બદલ ખુબ જ ખુશી વ્યકત કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.

અહીં આવતા બાળકોની વિશેષ સારસંભાળ લેવી પડતી હોવાનું  ડો. મેંદપરા જણાવે છે. તેઓના વિવિધ રિપોર્ટ કરવા માટે પણ માત્ર બાળકોના ડોકટરની ટીમ દ્વારા જ પ્રક્રિયા કરવામાં આવે છે. ખાસ કરીને બાળકોની તકલીફ અંગે સમજવા અને તેમના પરિવાર જોડે સારવારની જાણકારી અર્થે કાઉન્સેલિંગ મોટી ઉંમરના દર્દીઓ કરતા વધારે મુશ્કેલ હોવાનું જણાવે છે.કોરોના ઉપરાંત અન્ય તકલીફ હોઈ તેવા બાળ દર્દીઓને કોરોનાની સારવાર બાદ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે વધારાની સારવાર પુરી પાડવામાં આવે છે. 

આ સમય દરમ્યાન કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડો. કોમલ સંક્રમિત થતા સિવિલ ખાતે સારવાર લીધી હતી અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું હતું. અહીં તેમને મળેલ સારવાર માટે સિવિલ સ્ટાફનો હકારાત્મક અભિગમનો અનુભવ તેમને થયો હતો.

ડો. કોમલ કોવીડ વિભાગમાં બાળકોના ડોકટર હોવાના નાતે અગ્રીમ ભૂમિકા ભજવી રહ્યા હોઈ સારવાર બાદ પુનઃ તેઓ  ફરજ પર લાગી ગયા છે. લોકોને કોરોના સંક્ર્મણથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા ખાસ વિનંતી કરી બાળકોની તકેદારી રાખવા ભલામણ કરે છે.

(12:54 pm IST)