રાજકોટ
News of Monday, 30th November 2020

રાજકોટમાં બ્લોન સ્પાની આડમાં ચાલતું કુટણખાનાનો પર્દાફાશ : બે શખ્શો ઝડપાયા ; ચાર પરપ્રાંતીય યુવતીઓ મળી

બંને આરોપીઓ ગ્રાહક દીઠ 3000 રૂપિયા લેતા હતા. તેમાંથી 1000 રૂપિયા યુવતીઓને આપતા હતા

રાજકોટ શહેર પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા વધુ એક સ્પાની આડમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પી.એસ.આઇ અસલમ અન્સારી અને તેની ટીમ દ્વારા માત્ર 48 કલાકની અંદર જ બે જેટલા સ્પા સેન્ટર ના ઓઠા હેઠળ ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે

 ચોક્કસ બાતમી મળી હતી કે કિશાન પરા ચોક પાસે આવેલા બ્લોન સ્પામાં દેહ વ્યાપારનો ધંધો કરવામાં આવે છે.જેથી ચોક્કસ બાતમીના આધારે બ્લોન સ્પામાં રેડ કરતા દેહ વ્યાપારનો ધંધો થતો હોવાનું સામે આવ્યું હતું. ટીમ દ્વારા તુષારભાઈ ચેરમાં અને ગણેશભાઈ ભુલ નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ઘટના સ્થળે 4 ભોગ બનનાર સ્ત્રીઓ જેઓમાંથી બે સ્ત્રીઓ વેસ્ટ બેંગાલ, એક નાગાલેન્ડ અને એક સ્ત્રી અરુણાચલ ની હોવાનું સામે આવ્યુ છે. ઘટના સ્થળે થી રોકડ સહિત કુલ 23100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
બંને આરોપીઓ ગ્રાહક દીઠ 3000 રૂપિયા લેતા હતા. જે પૈકી ભોગ બનનારને તેમાંથી 1000 રૂપિયા આપતા હતા. જ્યારે કે 2000 રૂપિયા તેઓ પોતે રાખતા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે તેની વિરુદ્ધ પણ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ 1956 ની કલમ 3,4,5 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
  બે દિવસ પહેલા પોલીસ દ્વારા ન્યૂ જલારામ સોસાયટી મહુડી રોડ આઇસીઆઇસી બેન્ક પાસે આવેલ નીલ સ્પામાં રેડ કરવામાં આવતાં ત્યાં દેહવ્યાપારનો ધંધો થતો હોવાનું સામે આવ્યું હતું. રેડ દરમિયાન દીપેન બહાદુરભાઇ રાવલ કે જે મેનેજર તરીકે કામ કરતો હતો તે મળી આવ્યો, તેમજ ત્રણ ભોગ બનનાર સ્ત્રીઓ કે જે જયપુર રાજસ્થાન, દિલ્હી તેમજ મણિપુરની વતની હોવાનું સામે આવ્યું છે. અમારી ટીમ દ્વારા 5700 રૂપિયા રોકડા બે મોબાઇલ તેમજ ડીવીઆર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના યુનિવર્સિટી રોડ પરથી સની ભોજાણી નામના સ્પા સંચાલક દ્વારા સ્પા ના ઓઠા હેઠળ ચલાવવામાં આવતા કૂટણખાના નો પર્દાફાશ કર્યો હતો. જે બાબતે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સની ભોજાણી નામના શખ્સ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી છે.

(11:59 pm IST)