Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મતદાન કરવા બોલાવ્યા, પણ યાદીમાં નામ જ નહોતાં: ઝઘડો થતાં રાજકોટના પરિવાર પર છાપરા ગામે હુમલો

નટરાજનગરના તેજલબેન, તેના ભાઇ, ભાભી પર તેણીના કાકાજીના છોકરાઓએ હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧: શહેરના સાધુ વાસવાણી રોડ પર નટરાજનગરમાં રહેતાં મકવાણા-ગોહેલ-દરજી પરિવારના સભ્યો પર કુટુંબીજનોએ જ કાલાવડના છાપરા ગામ પાસે હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર લેવી પડી હતી. કાલાવડ તાલુકા પંચાયતની ચુંટણીમાં  મતદાન કરવા માટે આ પરિવારજનોને તેના જ કુટુંબીજનોએ ખરેડી બોલાવ્યા હતાં. જેથી બધા રિક્ષા લઇને ત્યાં ગયા હતાં. પરંતુ મતદાર યાદીમાંથી નામ નીકળી ગયા હોઇ તે બાબતે બોલાચાલી ઝઘડો થતાં બધા પરત રાજકોટ આવવા નીકળ્યા હતાં. સમાધાન કરવા માટે બોલાવાતાં પરત જતાં હતાં ત્યારે આ માથાકુટ થઇ હતી.

હુમલામાં નટરાજનગરના રૂપલબેન રોહિતભાઇ ગોહેલ (ઉ.વ.૩૦), તેજલબેન કરણભાઇ મકવાણા (ઉ.વ.૨૭) તથા માધવી રોહિતભાઇ ગોહેલ (ઉ.વ.૪)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્ટાફે કાલાવડ લોધીકા પોલીસને જાણ કરી હતી. સારવાર બાદ બધાને રજા અપાઇ હતી.

બનાવ અંગે રોહિતભાઇએ જણાવ્યું હતું કે અમારું મુળ વતન કાલાવડનું ખરેડી છે. ગઇકાલે તાલુકા પંચાયતનું મતદાન કરવા અમને બહેન તેજલબેનના કાકાજી  અરવિંદભાઇએ બોલાવતાં હું, મારા ભાઇ, મારા પત્નિ, બહેન, માતા-પિતા, મારી દિકરી એમ બધા રિક્ષા લઇને ખરેડી ગયા હતાં. પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે મતદાર યાદીમાંથી નામ નીકળી ગયા હોઇ મતદાન થઇ શકશે નહિ. આ કારણે મારા પિતા રસિકભાઇ અને બહેનના કાકાજી અરવિંદભાઇ વચ્ચે યાદીમાં નામ છે કે નહિ તે ચેક કરીને બોલાવવા બાબતે ચડભડ થઇ હતી. એ પછી અમે નીકળી જતાં બહેનના કાકાજીએ સમાધાન કરવા આવવાનું કહેતાં ફરી પાછા વળતા હતાં ત્યારે લોધીકાના છાપરા પાસે કાકાજીના દિકરાઓ જયદિપ, જીગર સહિતના આવ્યા હતાં અને ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો.

(12:12 pm IST)