Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

વઢવાણમાં મતદાનનો બહિષ્કાર : ૧૨૦૦ માંથી ૪૦ લોકોએ મતદાન કર્યું

નગરપાલિકામાં સરેરાશ ૫૫.૭૧ ટકા, જીલ્લા -તાલુકા પંચાયતોમાં ૬૬.૪૭ ટકા મતદાન : આઇ.કે. જાડેજા, મહેન્દ્ર મુંજપરા સહિતનાએ મતદાન કર્યું

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧: આ વિસ્તારની સોસાયટીમાં ખાસ કરી લદ્યુમતી સમાજ અને મુસ્લિમ સમાજ ના લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે આ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના કારણે સ્થાનિક લોકો દ્વારા મતદાન બહિષ્કારની ચીમકીના બેનર લગાવવામાં આવ્યા હતા અને પ્રાથમિક સુવિધાના કામો કર્યા બાદ જ મતદાન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે તે છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતના પ્રાથમિક સુવિધાના કામો કરવામાં ન આવતા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુકત નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર આ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવ્યો છે.

ત્યારે આ સોસાયટીમાં ઉભુ કરવામાં આવેલા બુથમાં ૧૨૦૦ મતદાતાઓના નામ હતા જેમાંના ફકત ૪૩ લોકોએ મતદાન કર્યો છે અને બાકીના લોકોએ મતદાન બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારે સરકારી અધિકારી અને ચૂંટણીઓ દ્વારા સમજાવટ બાદ પણ આ વિસ્તારના લોકો મતદાનથી અળગા રહ્યા હતા.

સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા અને પાટડી નગરપાલિકાઓની ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું છે. જિલ્લાના શહેરી વિસ્તારોના મતદારોએ મતદાન પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લઈ મતદાન કરીને તેમની ફરજ બજાવી હતી. જેના કારણે જિલ્લાની આ પાંચેય નગરપાલિકામાં સરેરાશ ૫૫.૭૧ ટકા મતદાન નોંધાયું હતુ. જેમાં સૌથી વધુ ૭૩.૬૧ ટકા મતદાન પાટડી નગરપાલિકામાં અને સૌથી ઓછું ૫૩.૧૦ ટકા મતદાન સુરેન્દ્રનગર - દૂધરેજ - વઢવાણ નગરપાલિકામાં નોંધાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા, થાનગઢ, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, દસાડા, મુળી, લીંબડી, લખતર અને સાયલા તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં કુલ ૧૬૪ બેઠકો માટે મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. મતદારોએ સવારથી જ ખુબ ઉત્સાહ પૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. જે અન્વયે સાંજે- ૬.૦૦ વાગ્યા સુધીમાં જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતનું સરેરાશ આશરે ૬૬.૪૭ ટકા મતદાન નોંધાયું હતું જેમાં થાનગઢ તાલુકા પંચાયતમાં જિલ્લાનું સૌથી વધુ ૮૦.૩૦ ટકા અને ધ્રાંગધ્રા તાલુકા પંચાયતમાં સૌથી ઓછું ૬૦.૮૭ ટકા મતદાન નોંધાયુ હતું.

ધ્રાંગધ્રા ખાતે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે.જાડેજાએ પરિવાર સાથે વોર્ડ નં.૬ માં આવેલ કામદાર કલ્યાણ કેન્દ્ર સ્થીત મતદાન મથક ખાતે મતદાન કરી તેમની પવિત્ર ફરજ નીભાવી હતી અને જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

જયારે ૮૦ ફુટ રોડ પર આવેલ જુની એસ.પી. સ્કૂલમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીએ પણ પોતાના પરિવારજનો સાથે મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ તકે ઉપાધ્યક્ષે ભાજપની જીતનો વિશ્વાસ વ્યકત કરી તમામ મતદારોને મત આપવા અપીલ કરી હતી જયારે વઢવાણ ૬૦ ફુટ રોડ પર આવેલ લો કોલેજ ખાતે સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને ધારાસભ્ય ધનજીભાઈ પટેલે પણ પરિવારજનો સાથે મતદાન કર્યું હતું.

જયારે લીંબડી તાલુકાના ભલગામડા ગામે ભાજપના ધારાસભ્ય કિરિટસિંહ રાણાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ભાજપની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો તેમજ ચોટીલા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા તેમજ દસાડા-લખતરના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી તથા ઓઈ ઈન્ડીયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી હિમાંશુભાઈ વ્યાસે જોરાવરનગર ખાતે આવેલ મતદાન મથક પર મત આપી ભાજપ સરકાર પર મોંધવારી, પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો સહિતના આકરા પ્રહારો કરી સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

(12:13 pm IST)