Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ભજન કરનાર સાધકે પોતાના ગુરૂનો જ આશ્રય કરવો

જે વ્યકિત પોતાના સ્વભાવમાં રહેલી ખામીને સમજી શકે એ મર્મજ્ઞ છે, સાધકે પોતાના સ્વભાવથી પરિચીત થવું જોઇએ અને પોતાની ખામી જાણીને તેને ત્યજવાનો સંકલ્પ કરે : પૂ. મોરારીબાપુ

(શિવકુમાર રાજગોર) રાજુલા તા. ૧ : તુલસીશ્યામની રમ્ય ગિરિમાળાઓ વચ્ચે પૂજય બાપુનાં શ્રીમુખેથી ગવાઈ રહેલી રામકથા 'માનસ વૃંદા' ના પાંચમા દિવસે કથારંભે પૂજય બાપુએ આપણા સૌના મનમાં ઉઠતા સંશયને વાચા આપતા કહ્યું કે-'પરમેશ્વર દ્વારા પરમ સાધ્વી સતિ સાથે છળ કરવું એ પ્રથમ દ્રષ્ટિએ યોગ્ય નથી જણાતું. દેવતાઓ માટે થઈને એક પતિપરાયણ સાધ્વીના પાતિવ્રત્ય ધર્મનો ભંગ કરવો ઉચિત છે?'

બાપુએ જ સ્વયં પ્રશ્ન કરતાં જણાવ્યું કે-'દેવ સમૂહનું હિત મહત્વનું કે સતિનું શીલ?' - અને જે દેવતાઓ માટે પરમાત્મા છળ કરે છે, એ દેવતાઓ કંઈ દૂધે ધોયેલા નથી! દેવરાજ ઇન્દ્ર છળ કરનાર, કપટી અને મલીનવૃત્તિનો છે. કાગડા જેવો- કોઈના પર પણ ભરોસો નહીં કરનારો- છે. તેના માટે પ્રભુ છળ કરી શકે? છળ કરવા માટે મલીન સ્વભાવ હોવો જોઈએ. જયારે પ્રભુનો સ્વભાવ એવો નથી. ખરેખર તો ભગવાનનો સ્વભાવ ઇન્દ્રમાં આવવો જોઈએ, એના બદલે અહીં ઇન્દ્રનો મલીન સ્વભાવ ભગવાનમાં આવે છે, એ નવાઇભર્યું લાગે છે.'

રામના સ્વભાવમાં તો કોઈ છળ કે છીદ્ર નથી. માનસમાં ભગવાન રામ કહે છે કે -

'નિર્મલ મન જન સો મોહિ પાવા.

મોહિ કપટ છલ છીંદ્ર ન ભાવા.'

જોકે અહીં રામ નહીં પણ ભગવાન વિષ્ણુ સતિ વૃંદા સાથે છળ કરે છે.પરંતુ વિષ્ણુ એ જ રામ છે. અને રામ કદી કોઈ સાથે છળ આચરી શકે નહીં.આ મૂંઝવણનો ઉત્ત્।ર એક જ હોઈ શકે કે 'પરમાત્મા પરમ કૌતુકી છે. પરમાત્મા છલ કરે કે ભલ કરે, એ લીલા માત્ર છે. પરમાત્માને કશું સ્પર્શતું નથી કારણ કે તે અસંગ છે.'

પૂજય બાપુએ માર્મિક રીતે જણાવ્યું કે 'જે વ્યકિત પોતાના સ્વભાવમાં રહેલી ખામીને સમજી શકે એ મર્મજ્ઞ છે.' સાધકે પોતાના સ્વભાવથી પરિચિત થવું જોઈએ અને ખુદની ખામી જાણીને,એને ત્યજવાનો સંકલ્પ કરે તો તે પરમાત્માની કૃપાને પાત્ર બની શકે છે.જે કોઈનો ભરોસો ન કરનારા કાગડા જેવા છે, એવા દેવતાઓ માટે પરમાત્મા શા માટે આવું કૃત્ય કરે છે, તેનો જવાબ માનસમાં તુલસીદાસજી આપે છે. સતિ વૃંદા જાણી જાય છે કે પોતાની સાથે છલ થયું છે. તેથી તે પરમાત્માને શ્રાપ આપે છે અને પરમ કૃપાળુ પરમાત્મા શ્રાપનો સ્વીકાર કરે છે. હરિના સ્વીકાર કે અસ્વીકાર બંનેમાં કૌતુક રહેલું છે.. ભગવાને તો કહ્યું છે કે  'ન મે કર્માણિ ભિપન્તિ' ભગવાનને કોઈ કર્મ બાંધતું નથી. ભગવાન અસંગ છે. એને જન્મ કે મૃત્યુ સ્પર્શતા નથી. આત્માને પણ જો કશું સ્પર્શતું ન હોય, તો પરમાત્મા તો કેટલા અસંગ હશે? એટલે પરમાત્મા છળ કરે છે, છતાં તે છલી નથી.જેનો વિગ્રહ જ શુભત્વથી ભરેલો છે, એ છળ કેવી રીતે કરી શકે? પરમાત્માની પ્રત્યેક ક્રીડા વિશ્વમંગલ કાજે જ હોય છે.

પૂજય બાપુએ શ્રી આશુતોષ રાણાએ લખેલા પુસ્તક 'રામરાજય' નો એક પ્રસંગ પોતાની આગવી શૈલીમાં વર્ણવતા કહ્યું કે - ભગવાન રામ સેતુબંધ બાંધતા પહેલા રામેશ્વરની સ્થાપના કરવા માંગે છે. શિવલિંગની સ્થાપના માટે શિવ ભકત, મહાજ્ઞાની રાવણનું તેઓ આચાર્ય તરીકે વરણ કરે છે. આ માટે રાવણને નિમંત્રિત કરવા રામજી, લક્ષ્મણ મહારાજને લંકા મોકલે છે. તેઓ રાવણને વિનંતી કરે છે કે આચાર્ય તરીકે પધારીને રામજીનો શિવ-સંકલ્પ પૂર્ણ કરે. રાવણ જવાબ આપે છે કે 'શિવ- સ્થાપન માટે યજમાને સજોડે પૂજામાં બેસવું પડે. અને એ માટે સીતાજીની જરૂર પડે.' રામ રાવણની શર્ત મંજુર રાખે છે.

રાવણ લક્ષ્મણને પૂછે છે કે 'પોતે કઇ સીતાને સાથે લઇને યજમાન પાસે આચાર્ય બનવા માટે આવે?' - એ પ્રશ્નનો જવાબ લક્ષ્મણજી આપી શકતા નથી. તેથી ભગવાન રામ હનુમાનજીને રાવણ પાસે મોકલે છે.

રાવણની સભામાં જતા પહેલા હનુમાનજી પોતાની ગદા દ્વારપાળને આપી દે છે. પછી વિનિત ભાવે સભામાં પ્રવેશ કરી, રાવણને પ્રણામ કરે છે. રાવણના પ્રશ્નના જવાબમાં હનુમાનજી વિવેકપૂર્વક પ્રતિપ્રશ્ન પૂછે છે કે તેની પાસે કેટલા સીતાજી છે?

ત્યારે રાવણ કહે છે - 'એક તો ભૌતિક રીતે અશોકવાટિકામાં બેઠેલા સીતાજી, જે પોતાની કેદમાં છે. અને બીજાં પોતાનાં હૃદયમાં માતૃ સ્વરૂપે બિરાજે છે એ- માતા સીતા.'

હનુમાનજી કહે છે કે- 'જે ભૌતિક રીતે અશોકવાટિકામાં છે, એને તો મારા પ્રભુ રામ પોતાના પરાક્રમથી અને બાહુબળથી રણમાં જીતીને લઈ જશે. પરંતુ હે રાવણ! તમારાં હૃદયમાં વસેલાં માતા સીતાજીને લઈ અને તમે પ્રભુ રામના શુભકાર્યમાં આચાર્ય બનવા પધારો.'

રાવણ રામકાર્યમાં આચાર્ય બનવા માટે જાય છે. ત્યાં તે પોતાના હૃદયમાં બિરાજેલાં માં જાનકીને પ્રગટ કરે છે.

રામેશ્વરની સ્થાપનાનો રામનો શિવ સંકલ્પ પૂર્ણ થાય છે. અને રામ આચાર્ય બનેલા રાવણને દક્ષિણા માગવા માટે કહે છે. એ વખતે રાવણ સજળ નેત્રે કહે છે કે- 'પ્રભુ! હું તો આપનો પ્રિય દ્વારપાળ છું. આપના પિયુષ-પાણિથી મને નિર્વાણ આપી, ફરી આપનાં ચરણોમાં સ્વીકારી લો.'

રાવણ માતા સીતાને હવે અહીં જ રહી જવા કહે છે, ત્યારે માતા કહે છે કે જો પોતે રોકાઇ જાય, તો ભગવાનની લીલા - તેમનું અવતાર કાર્ય- અધૂરું રહી જાય.

આશુતોષ રાણા સાહેબે લખેલા પુસ્તકના આ પ્રસંગને પૂજય બાપુએ તલગાજરડાના ખૂણા'ની કૃપાથી અત્યંત ભાવપૂર્ણ રીતે વર્ણવીને કહ્યું કે ચોપાઈમાં તુલસીદાસજીએ બે વખત જાનકી શબ્દ શા માટે વાપર્યો છે, તેનો ખુલાસો અહીં મળે છે.

અહિ કે હૃદય બસ જાનકી જાનકી ઉર મમ વાસ હૈ.

મમ ઉદર ભુઅન લાગન બાન સબ કર નાસ હૈ.

જલંધર રાવણ બને છે અને સતિ વૃંદાના શ્રાપને સ્વીકારીને ભગવાન આ લીલા કરે છે.

તહાં જલંધર રાવન ભયઉ, રન હતિ રામ પરમ પદ દયઉ.

બાપુએ કહ્યું કે - 'ભજન કરનાર સાધકે કેવળ પોતાના ગુરુનો જ આશ્રય કરવો.' જેનો દ્રઢાશ્રય હશે, એના મનમાં કદી કાયરતા નહીં આવે.

ઈશ્વર તો કૌતુકનિધિ છે. એનાં કૌતુકને સમજવાનો પ્રયત્ન ન કરીએ. બસ, એનાં ગુણ ગાઈએ! પરમાત્માની લીલાનાં રહસ્યને સમજવાનું આપણું ગજું નથી.'હરિનામ સંકીર્તન સાથે બાપુએ પાંચમાં દિવસની  કથાને વિરામ આપ્યો હતો.

(10:25 am IST)